ગુજરાતની કંપનીએ યુપીમાં કોન્સ્ટેબલની ભરતીનું પેપર લીક કર્યું! અખિલેશ યાદવનો ચોંકાવનારો દાવાએ
લખનઉ: સમાજવાદી પાર્ટી(SP)ના રાષ્ટ્રીય પ્રમુખ અને ઉત્તર પ્રદેશ રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ(Akhilesh Yadav)એ યુપી પોલીસ ભરતી પરીક્ષા મામલે ચોંકાવનારો દાવો કર્યો છે. અખિલેશ યાદવનો દાવો છે કે ગુજરાતની એક કંપનીએ ઉત્તર પ્રદેશ પોલીસ ભરતીનું પેપર લીક કર્યું છે. તેમણે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા છે.
અખિલેશે સોશિયલ મીડિયા સાઈટ પર લખ્યું કે આ છે ‘ભાજપીઓ’ની ઓળખ – જુઠ્ઠાઓને કામ, જુઠ્ઠાઓને સલામ. પોલીસ ભરતીની પરીક્ષાનું પેપર લીક કરવામાં ગુજરાતની કંપનીનો હાથ હોવાનો અને તેના માલિક સફળતાપૂર્વક વિદેશ ભાગી જવાનો આ આરોપ ખૂબ જ ગંભીર છે. તેના બાદ ઉત્તર પ્રદેશ સરકારે તેના વિશે લોકોને જાણ કરી અને લોકોના ગુસ્સાથી બચવા માટે તે કંપનીને માત્ર દેખાડો કરવા માટે બ્લેકલિસ્ટ કરી.
તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકારે એ કંપની અને તેના માલિક વિરુદ્ધ એફઆઈઆરની નકલ સાર્વજનિક કરવી જોઈએ. તેને ગુજરાત મોકલવા અને તેની મિલકતમાંથી નુકસાની વસૂલવાની હિંમત બતાવો. આવા અપરાધી લોકો ઉત્તર પ્રદેશના 60 લાખ યુવાનોના ભવિષ્યને બરબાદ કરવા માટે જવાબદાર છે. ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે સાબિત કરવું જોઈએ કે તે આ ગુનેગારો સાથે છે કે રાજ્યની જનતા સાથે.
તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં કામ કરતી દરેક કંપનીના ઈતિહાસ અને ગુણવત્તાની તપાસ થવી જોઈએ. જ્યારે અપ્રમાણિક અને કલંકિત કંપનીઓને કામ આપવામાં આવે છે, ત્યારે જનતાએ સમજવું જોઈએ કે કામ પૂરું પાડનાર ઉત્તર પ્રદેશ સરકારના મંત્રાલય અને તેના વિભાગના લોકો પણ તેમાં હિસ્સો ધરાવે છે, એટલે કે ભ્રષ્ટાચારમાં ભાગીદારી છે.
અખિલેશ યાદવે કહ્યું કે આ પરીક્ષા આયોજિત કરતી કંપનીની જ નહીં પરંતુ સંડોવાયેલા દરેક પ્રધાનો કે અધિકારીની પણ તપાસ થવી જોઈએ અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને તેમના કામમાંથી દુર કરવા જોઈએ અને જો તેમની સંડોવણી સાબિત થાય તો કડક શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. તેને સસ્પેન્ડ કરવા જોઈએ.
સપા પ્રમુખે કહ્યું કે ઉત્તર પ્રદેશના નારાજ યુવાનો પૂછી રહ્યા છે કે શું યુપીના બુલડોઝર પાસે બહારના રાજ્યોમાં જવાનું લાયસન્સ અને હિંમત છે? તેમજ જે મંત્રાલય હેઠળ પોલીસ ભરતીની પરીક્ષા લેવામાં આવી હતી તે મંત્રાલયના પ્રધાનો અને અધિકારીઓ પર બુલડોઝર ફરે છે કે કેમ? યુપીની જનતાએ પણ યાદ રાખવું જોઈએ કે આ એ જ ભાજપ સરકાર છે જે ગઈકાલ સુધી પોલીસને કોન્ટ્રાક્ટ પર રાખવાના આદેશ જારી કરતી હતી. અત્યંત નિંદનીય! વિવિધ પરીક્ષાઓના પેપરો લીક થવું એ સરકારની પ્રામાણિકતા પર પ્રશ્નાર્થ ચિહ્ન છે.
Also Read –