અખિલેશ યાદવે 400 પારની હાંસી ઉડાવી, 140 બેઠક નહીં મળે એવો દાવો કર્યો
દેવરિયા (ઉત્તર પ્રદેશ): સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે એવો દાવો કર્યો હતો કે ભાજપના લોકસભાની ચૂંટણી માટેના 400 પારના નારાની ફજેતી થવાની છે અને પાર્ટીને 140 બેઠક જીતવાની હાંસીજનક સ્થિતિમાં મૂકાવું પડશે.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભાજપને ઈલેક્ટોરલ બોન્ડના માધ્યમથી મોટા પાયે મદદ કરનારા લોકો તેમની સામગ્રીના ભાવ વધારીને તેની વસૂલાત કરી રહ્યા છે અને તેને કારણે દેશમાં ફુગાવો વધી રહ્યો છે.
ઉત્તર પ્રદેશના દેવરિયામાં કૉંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર રેલીને સંબોધતાં અખિલેશ યાદવે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે.
ઈન્ડી ગઠબંધનને જે રીતે વ્યાપક ટેકો મળી રહ્યો છે તેને જોતાં મને વિશ્ર્વાસ છે કે જ્યારે ચોથી જૂને મતગણતરી થશે ત્યારે ભાજપ ઉત્તર પ્રદેશમાંથી સાફ થઈ ગઈ હશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ફક્ત કેન્દ્રની સરકાર જ નહીં, મીડિયા પણ લોકસભાની ચૂંટણી બાદ બદલાઈ જશે.
તેમણે 400 પારના નારાની હાંસી ઉડાવતા કહ્યું હતું કે જે લોકો 400 પારના નારા લગાવી રહ્યા છે તેઓ 400 બેઠકો હારવાના છે.
સત્તાધારી પાર્ટીની ટીકા કરતાં તેમણે સવાલ કર્યો હતો કે 543માંથી 400 કાઢી નાખવામાં આવે તો કેટલી બેઠકો બચશે? જવાબ મળ્યા બાદ તેમણે કહ્યું હતું કે 143 બેઠકોના જે લોકો સપના જોઈ રહ્યા છે તેમને દેશની 140 કરોડની જનતા 140 બેઠકો તરસાવશે.
પૂર્વાંચલના લોકો અમને ભારે ઉત્સાહ સાથે આવકારી રહ્યા છે. જે લોકો અહીં 2014માં આવ્યા હતા તેમને લોકો 2024માં વિદાય આપશે. (પીટીઆઈ)