સોનાના ભડકે બળતા ભાવ અંગે અખિલેશ યાદવે સરકાર પર મૂક્યો મોટો આરોપ, શું લખ્યું ‘એક્સ’ પર જાણો?

લખનઊઃ વૈશ્વિક સ્તરે સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી છે, જ્યારે તેની અસર સ્થાનિક માર્કેટ પર પણ પડી છે. સામાન્ય માણસની પહોંચ બહાર સોના-ચાંદીના ભાવ પહોંચી રહ્યા છે ત્યારે આ મુદ્દે સમાજવાદી પાર્ટીના પ્રમુખે સરકાર પર નિશાન સાધ્યું હતું.
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે આજે સોનાના ભડકે બળતા ભાવને લઇને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે આ ઉછાળો જનતાની માંગને લીધે નહીં, પરંતુ શાસક પક્ષના નેતાઓ દ્વારા તેમના કાળા નાણાંને સોનામાં રૂપાંતરિત કરવાને કારણે હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: અખિલેશ યાદવને વળી આ શું સૂઝયું બે વર્ષ પહેલાના ગુજરાત બોર્ડના પરિણામોની વાત અખિલેશ યાદવે હવે કેમ કરી?
યાદવે એક્સ પર જણાવ્યું કે ભાજપના રાજમાં સોનાના ભાવ તમામ રેકોર્ડ તોડીને રૂા. ૧.૨૦ લાખ પ્રતિ તોલા(૧૦ ગ્રામ) સુધી પહોંચવા એ ભ્રષ્ટાચાર અને સંગ્રહખોરીનું પ્રતીક છે.
તેમણે આરોપ લગાવ્યો કે વાસ્તવિકતા એ છે કે હવે કોઇ પણ ગરીબ વ્યક્તિ લગ્નમાં આશીર્વાદ તરીકે સોનાનો એક નાનો ટુકડો પણ આપી શકતો નથી. સોનાની વાત તો છોડી દો, ભાજપના નેતાઓ દ્વારા કિંમતી ધાતુઓના સંગ્રહને કારણે ચાંદી પણ ગરીબોની પહોંચની બહાર થઇ ગઇ છે.
આ પણ વાંચો: Rana Sanga Row : સપા સાંસદના નિવાસે કરણી સેનાનો હંગામો, અખિલેશ યાદવે કરી આ માગ…
તેમણે જણાવ્યું કે સરકારનો એ બચાવ રહેશે કે સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારો દ્વારા નક્કી થાય છે. તેમણે પ્રશ્નો કર્યો કે ભાવમાં ઉછાળા છતાં લક્ઝરી ધાતુઓની માંગમાં સતત વૃદ્ધિ શા માટે જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે જો આ સાચું હોય તો સરકારે સ્પષ્ટ કરવું જોઇએ કે આ ક્યા આર્થિક નિયમ કે સિદ્ધાંત હેઠળ થઇ રહ્યું છે.
તેમણે સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે શું ભાજપ સરકારમાં કોઇની પાસે સોનાનો સંગ્રહ કરનારાઓ પર નજર રાખવા માટે ડ્રોન, દૂરબીન કે બુલડોઝર નથી? કદાચ જેને લોકો લોખંડનું ડબલ એન્જિન માને છે તે ખરેખર અંદરથી સોનું બની ગયું છે.