જમ્મુ-કશ્મીરની સુરક્ષામાં થયેલી ખામીની જવાબદારી કોણ લેશે? અખિલેશ યાદવના સરકારને પ્રશ્નો

નવી દિલ્હી: સંસદના ચોમાસું સત્ર દરમિયાન બંને ગૃહોમાં જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ત્યાર બાદ ભારતીય સશસ્ત્ર દળોએ કરેલા ઓપરેશન સિંદૂર અંગે ચર્ચા થઇ રહી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે લોકસભા ગૃહમાં વિગતવાર નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ સમાજવાદી પાર્ટીના કનૌજથી સાંસદ અખિલેશ યાદવે જમ્મુ અને કશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને નગરિકોની સુરક્ષા અંગે સરકાર સામે સવાલો ઉઠાવ્યા (Akhilesh Yadav in Loksabha) હતાં.
તાજેતરના વર્ષોમાં પહલગામ સહીત જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભમાં સપા સાંસદ અખિલેશ યાદવે કહ્યું, “સરકારે દાવો કર્યો હતો કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવાયા બાદ કોઈ આતંકવાદી ઘટના નહીં બને. ત્યારે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સુરક્ષામાં થયેલી ખામીની જવાબદારી કોણ લેશે?”
આ પણ વાંચો: પહલગામના હુમલાખોરોને ઓપરેશન મહાદેવ હેઠળ માર્યાં: અમિત શાહનો સંસદમાં જવાબ…
યુદ્ધવિરામ સામે સવાલ:
મે મહિનામાં પાકિસ્તાન સાથે સશસ્ત્ર સંઘર્ષ બાદ કરવામાં આવેલા યુદ્ધવિરામ અંગે સવાલ ઉઠાવતા અખિલેશ યાદવે કહ્યું, “કેટલાક લોકો કહેતા હતા કે જો અમને છ મહિનાનો સમય મળે POK પર કબજો કરી લઈશું. હું પૂછવા માંગુ છું કે યુદ્ધવિરામ શા માટે કરવામાં આવ્યો?”
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાના સૌર્યને બિરદાવતા અખિલેશ યાદવે કહ્યું, “હું ભારતીય સેનાનો આભાર માનું છું. આપણી સેના વિશ્વની સૌથી હિંમતવાન સેના છે. મને આપણી સેના પર ગર્વ છે. ઓપરેશન સિંદૂરથી આપણી સેનાએ આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો અને સાથે પાકિસ્તાના એરબેઝ પર પણ હુમલો કર્યો. આપણે પાકિસ્તાનને એવો પાઠ ભણાવી શક્યા હોત કે તેઓ ફરીથી આવું કરવાની હિંમત ન કરે.”
તેમણે કહ્યું, “યુદ્ધવિરામ પછી પણ પાકિસ્તાનથી ડ્રોન આવી રહ્યા હતા, એ વાત સરકારે સ્વીકારવી પડશે. સરકારે કોના દબાણ હેઠળ યુદ્ધવિરામની જાહેરાત કરી?”
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર: પહલગામના આતંકી પાકિસ્તાની નહોતા તેના પુરાવા ક્યાં છે?
ભારતને ચીનથી જોખમ:
અખિલેશ યાદવે કહ્યું, “કયો દેશ પાકિસ્તાનને મદદ રહ્યો છે એ જરા જોવું જોઈએ, આપણને આતંકવાદથી જેટલો ખતરો છે તેટલો જ ચીનથી પણ છે. ચીન આપણી જમીન પર કબજો કરી રહ્યું છે અને ચીન આપણા બજાર પર પણ કબજો કરી રહ્યું છે. ચીન એક દૈત્ય છે.”
અખિલેશ યાદવે કહ્યું, “અમને વાયુસેના પર ગર્વ છે પણ સરકારે જણાવે કે લીંબુ અને મરચાથી પૂજા કરવામાં આવી હતી એ કેટલા વિમાનો ઉડ્યા.”
ભાજપ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું અખિલેશ યાદવે કહ્યું, “આ પંક્તિ આ ભાજપ માટે છે. મૈ દુનિયા કો મનને ચલા હું, પર મેરા ઘર મુઝસે રૂઠા જા રહા હૈ.”