‘ભગવાન ક્યારે કોને બોલાવે કોને ખબર?’ અયોધ્યાના આમંત્રણના વિવાદ પર અખિલેશ યાદવનું નિવેદન
લખનઉ: અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાનો અભિષેક 22 જાન્યુઆરીએ થવાનો છે. આ માટે રામ મંદિર ટ્રસ્ટે વડા પ્રધાન મોદી સહિત દેશના અગ્રણી નેતાઓને આમંત્રણ મોકલ્યું છે. જો કે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને હજુ સુધી આમંત્રણ મળ્યું નથી, તેમણે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
સપાના વડા અખિલેશ યાદવે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટેના આમંત્રણ પર કહ્યું કે, “હું માનું છું કે ભગવાનની ઈચ્છા વિના કોઈ દર્શન માટે જઈ શકતું નથી. ભગવાનનું તેડું ક્યારે કોને આવે તે કોઈ કહી શકતું નથી.”
રામ લલ્લાના અભિષેક માટે સમાજવાદી પાર્ટીના નેતાઓને આમંત્રિત કરવાનો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કન્નૌજના બીજેપી સાંસદ સુબ્રત પાઠકે રામ મંદિર ટ્રસ્ટને પત્ર લખ્યો. બીજેપી સાંસદે પત્રમાં લખ્યું હતું કે રામભક્તો પર ગોળીબાર કરનારાઓને આમંત્રણ ન આપવું જોઈએ.
સુબ્રત પાઠકે પોતાના પત્રમાં લખ્યું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક નેતાઓ કહી રહ્યા છે કે તેમને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. પરંતુ આ એ જ નેતાઓ છે જેમણે રામ ભક્તો પર ગોળીબાર કરાવ્યો હતો અને રામ મંદિર નિર્માણમાં હંમેશા અવરોધો ઉભા કર્યા. આ લોકો હંમેશા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને ચીડવતા હતા. આ લોકો હંમેશા મંદિર ન બને તે માટે સતત પ્રયત્નો કરતા હતા.
મૈનપુરીના સાંસદ ડિમ્પલ યાદવે સુબ્રત પાઠકના આ પત્રનો જવાબ આપ્યો હતો. ડિમ્પલે કહ્યું કે ભાજપની ક્ષુદ્ર માનસિકતા છે કે તે આ કાર્યક્રમમાં સપાના નેતાઓને આમંત્રણ ન આપવાનું કહી રહી છે. આ સરકાર રામરાજ્યની વાત કરે છે, પણ ભેદભાવ પણ કરે છે. આ દરમિયાન ડિમ્પલે યાદવે કહ્યું કે, જો અમને આમંત્રણ મળશે તો અમે ચોક્કસ જઈશું અને જો નહીં મળે તો સમારોહ પછી જઈશું.