મહિલા રિપોર્ટર કેમ નથી? મહિલા સરપંચ વિશે પૂછયું તો અખિલેશે કર્યો આવો વિચિત્ર સવાલ
નવી દિલ્હીઃ આજકાલ દરેક પક્ષ અને રાજનેતા મીડિયાાન તીખા સવાલોથી બચી રહ્યો છે. એક સમય હતો જ્યારે રાજકારણીઓ આવા તીખા સવાલોના વ્યુહાત્મક જવાબ આપતા અને જો તેમને કોઈ પત્રકારનો મુદ્દો યોગ્ય લાગે તો જાહેરમાં પોતાની નિષ્ફળતા સ્વીકારી સ્થિતિને સુધારવાની ખાતરી પણ આપતા. જોકે હવે રાજકારણીઓ જનતાના આ પ્રતિનિધિઓના સવાલોનો જવાબ આપવાને બદલે સામા સવાલો કરતા થઈ ગયા છે. આવો જ એક સવાલ સમાજવાદી પક્ષ (Samajwadi Party) ના નેતા અખિલેશ યાદવે (Akhilesh Yadav) કર્યો હતો, જોકે તેમના સવાલમા કોઈ તર્ક ન હતો અને વિચિત્ર સવાલ કરી તે પોતે જ ફાસાયા હોય તેમ જણાતું હતું.
વાત એમ હતી કે અખિલેશ ઉત્તર પ્રદેશ (Utar Pradesh) ના બારાબંકી જિલ્લાના બેલહારા પંચાયત વિસ્તારમાં સમાજવાદી પાર્ટીના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ વિતરણનો કાર્યક્રમ હતો. આ પંચાયના મહિલા સરપંચની જગ્યાએ તેમના બનેવી આવ્યા હતા.
જ્યારે તેમને પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે સરપંચ હાજર કેમ નથી અને તેમની જગ્યાએ અન્ય પુરુષ કેમ છે ત્યારે આના પર અખિલેશ યાદવે ઉલટો સવાલ કર્યો કે, તમે બધા (રિપોર્ટર) પુરુષો કેમ છો? અહીં એક પણ મહિલા પત્રકાર કેમ નથી?.
અહીં આયોજક સ્થાનિક સરપંચ શબાના ખાતૂન હતી, પરંતુ તે કાર્યક્રમમાંથી ગાયબ હતી. પોસ્ટર અને બેનરો પર પણ તેમનું નામ નહોતું. તેમની જગ્યાએ તેમના બનેવી અયાઝ ખાનનું નામ હતું. પોસ્ટરો પર તેમની તસવીર હતી. બેલહારા પંચાયત સીટ મહિલા માટે અનામત છે. ખાતૂન છેલ્લી ચૂંટણીમાં ત્યાંથી ચૂંટાઈ હતી, પરંતુ સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે તે ક્યારેય પંચાયતના કોઈ કાર્યક્રમમાં ભાગ લેતી નથી. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે તેમના બનેવી પંચાયતના તમામ નિર્ણયો લે છે. તેઓને સરપંચના ઘરે સત્તાવાર દસ્તાવેજો પર સહી કરવા મોકલવામાં આવે છે. વાસ્તવમાં, આવી ઘણી અનામત બેઠકોમાં મહિલા સરપંચોના પતિઓ અને અન્ય પુરૂષ સંબંધીઓને વાસ્તવિક સરપંચ ગણવામાં આવે છે અને ચૂંટાયેલી મહિલાઓ દસ્તાવેજો પર સહી સિવાય બીજું કંઈ કરતી નથી.
આ કાર્યક્રમમાં પત્રકારોએ બહુ યોગ્ય અને વેધક સવાલ કર્યો હતો કે જો મહિલા સરપંચની જગ્યાએ પુરુષ હાજર રહ્તો હોય તો મહિલા સશક્તિકરણનો સંદેશ કઈ રીતે આપી શકાય. આના પર અખિલેશ યાદવે કહ્યું, શું આ કંઈ નવું છે? અહીં ઘણા બધા પ્રધાનપતિઓ છે. શું આ કોઈ મુદ્દો છે? હવે જો હું પૂછું કે, તમે બધા (રિપોર્ટર) પુરુષો કેમ છો?”
આ પછી તેણે એક પત્રકારને પૂછ્યું કે શું તેની ચેનલમાં કોઈ મહિલા રિપોર્ટર નથી જેને આ કાર્યક્રમ માટે મોકલી શકાય. પછી બીજાને મોકલો… શા માટે હું ફક્ત તમારા પ્રશ્નનો જવાબ આપું…!
એક મુખ્ય પ્રધાન રહી ચૂકેલા યુવા નેતા પાસેથી આવા જવાબની અપેક્ષા ન હોઈ શકે.