યુપીના સંભલ મુદ્દે અખિલેશ યાદવે ભાજપની કાઢી ઝાટકણી, નેતાઓ અંગે કહ્યું કે…

ફિરોઝાબાદ: ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદ નીચે હિંદુ મંદિર હોવાના દાવા અને ત્યાર બાદ થયેલી હિંસા મામલે રાજ્યનું રાજકારણ ગરમાયેલું છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ફિરોઝાબાદની મુલાકાત દરમિયાન આ મુદે ભારતીય જનતા પાર્ટી પર જોરદાર નિશાન (Akhilesh Yadav about Sambhal Violence) સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ભાજપના નેતાઓના ઘર ખોદવામાં આવશે તો ત્યાંથી શું નીકળશે તે કોણ જાણે છે. આ ધરતી લાખો વર્ષ જૂની છે, તમે જ્યાં પણ ખોદશો, તમને ચોક્કસપણે કંઈક તો મળશે જ.”
આ પણ વાંચો: લોકસભામાં ‘બંધારણ’ની ચર્ચા પર અખિલેશ યાદવે PDAનો ઉલ્લેખ સાથે કરી મહત્ત્વની વાત; WATCH
સરકાર લોકોને ભટકાવી રહી છે:
અખિલેશ યાદવે કહ્યુ કે, “બધે ખોદકામ કરવાથી કોઈ ઉકેલ નહીં મળે. આપણા દેશમાં પૂજા સ્થળનો કાયદો છે, જે આવી વિવાદો અટકાવે છે, પરંતુ આવા મુદ્દાઓ ઉઠાવીને ભાજપ ખેડૂતો અને બેરોજગારી જેવા વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવી રહી છે.”
ભાજપ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવતા અખિલેશ યાદવે કહ્યું કે, “ભાજપ કેન્દ્રમાં 10 વર્ષથી અને ઉત્તર પ્રદેશમાં 7 વર્ષથી સત્તામાં છે, પરંતુ બેરોજગારી રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. સરકારે આનો જવાબ આપવો જોઈએ.”
કેસ પાછા ખેંચવા જોઈએ:
સંભલના સાંસદ વિરૂદ્ધ વીજળી ચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે, આ અંગે અખિલેશ યાદવે કટાક્ષ કરતા કહ્યું કે, “હવે સાંસદો સામે પણ કેસ નોંધવામાં આવી રહ્યા છે. આ સરકારનો અસલી ચહેરો દર્શાવે છે. સાંસદો અથવા લોકો પર જે પણ ખોટા કેસ નોંધાયા છે, તે પાછા ખેંચવા જોઈએ. આ સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આવા મુદ્દા ઉઠાવી રહી છે.”
મીડિયા સાથેની વાત કરતા અખિલેશ યાદવે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે આ સરકાર માત્ર જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે. સમાજવાદી પાર્ટી હંમેશા લોકોના અધિકાર અને સત્ય માટે ઉભી રહેશે.