
લખનઉ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ભવ્ય મહાકુંભ મેળાનું આયોજન કરવામાં (Prayagraj Mahakumbh) આવ્યું હતું, 45 દિવસ ચાલેલો મહાકુંભ સતત ચર્ચામાં રહ્યો હતો. મેળાના આયોજનમાં અવ્યવસ્થા મામલે ઘણા વિવાદો પણ સર્જાયા હતાં. સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ(Akhilesh Yadav)એ એક મોટો દાવો કર્યો છે. ગઈ કાલે રવિવારે એક નિવેદનમાં તેમણે દાવો કર્યો કે મહાકુંભ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવવાની યોજના હતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓએ મહાકુંભને રાજકીય કાર્યક્રમ બનાવી દીધો છે.
અખિલેશ યાદવે પત્રકારો સાથે વાત કરતા કહ્યું, ‘ભાજપ મહાકુંભને રાજકીય કુંભ બનાવવા માંગતો હતો. આ કોઈ ધાર્મિક કુંભ ન હતો. આ કુંભ ભક્તો માટે નહીં પણ રાજકીય હેતુઓ માટે હતો. એવું પણ સાંભળવામાં આવ્યું હતું કે કુંભના આયોજન દરમિયાન તૈયારીઓ થઈ રહી હતી જેથી તેમનું(યોગી) નામ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે.’
અખિલેશ યાદવે મહાકુંભ 2025 ના આયોજનમાં ખામીઓ અંગે પણ ગંભીર આરોપ લગાવ્યા. તેમણે દાવો કર્યો, ‘શું તમે ક્યારેય તેમને કુંભ દરમિયાન ટીવી ચેનલોને ઇન્ટરવ્યુ આપતા જોયા છે? આ સમગ્ર ગેરવહીવટથી આ કાર્યક્રમ પર મોટો ડાઘ છે. ભવિષ્યમાં, તમે વધુ સારી રીતે સમજી શકશો. ઘણી વાતો કદાચ મારા સુધી ન પહોંચે, પણ તમે તો અહીં જ રહો છો – તમે સત્ય જાણો છો.’
આ પણ વાંચો… અખિલેશ યાદવને વળી આ શું સૂઝયું બે વર્ષ પહેલાના ગુજરાત બોર્ડના પરિણામોની વાત અખિલેશ યાદવે હવે કેમ કરી?
અખિલેશ યાદવે કહ્યું કે 2027 ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેઓ વિપક્ષી ઇન્ડિયન નેશનલ ડેમોક્રેટિક ઇનક્લુઝીવ અલાયન્સ(INDIA) હેઠળ જ ચૂંટણી લડશે. અખિલેશ યાદવે કહ્યું કે ભાજપ પર પ્રહારો કરતા આરોપ લગાવ્યો કે તે વકફ (સુધારા) કાયદા દ્વારા માફિયાઓની જેમ જમીન હડપ કરવાનો પ્રયાસ કરી રહી છે.