અગ્નિવીર મુદ્દે સંસદમાં બાખડ્યા અખિલેશ અને અનુરાગ ઠાકુર
નવી દિલ્હીઃ સંસદમાં બજેટ ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ અને બીજેપી સાંસદ અનુરાગ ઠાકુર વચ્ચે અગ્નિવીર યોજનાને લઈને ચર્ચા જોવા મળી હતી. અખિલેશ યાદવે સરકારને પૂછ્યું હતું કે જો અગ્નવીર યોજના એટલી સારી છે તો તમે રાજ્યોને 10 ટકા ક્વોટા આપવાનું કેમ કહો છો. તેના પર હમીરપુર સીટના બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે જવાબ આપ્યો કે અગ્નિવીરમાં 100 ટકા રોજગારની ગેરંટી છે અને રહેશે.
અખિલેશ યાદવે સંસદમાં કહ્યું હતું કે જે પણ યુવક સેનામાં જવા માટે માટે તૈયાર છે તે ક્યારેય આ વાત સ્વીકારી શકે નહીં. સરકાર પર નિશાન સાધતા સપા પ્રમુખે કહ્યું હતું કે, “જ્યારે આ સ્કીમ પહેલીવાર આવી ત્યારે મોટા ઉદ્યોગપતિઓ દ્વારા ટ્વીટ કરાવવામાં આવી હતી કે આનાથી સારી કોઈ સ્કીમ નથી. અમે તેમને નોકરીએ રાખીશું. સરકાર પોતે આ સ્વીકારે છે કે સ્કીમ સારી નથી, તેથી જ તેઓ તેમની રાજ્ય સરકારોને સેવા આપી પરત ફરતા અગ્નિવીરોને નોકરી આપવાનું કહી રહ્યા છે.
અખિલેશના નિવેદન પર પ્રતિક્રિયા આપતા અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, “હું હિમાચલનો છું, હું તે રાજ્યમાંથી આવું છું, જેણે મેજર સોમનાથ શર્માના રૂપમાં દેશને પ્રથમ પરમવીર ચક્ર વિજેતા આપ્યા છે. કારગિલ યુદ્ધમાં હિમાચલ પ્રદેશના વીરો સૌથી વધુ શહીદ થયા હતા. ચાર પરમવીર ચક્ર વિજેતામાંથી બે- કેપ્ટન વિક્રમ બત્રા અને સુબેદાર સંજય કુમાર હિમાચલના વતની છે. વન રેન્ક-વન પેન્શનની લાંબા સમયથી માંગ હતી, જેને કોઈ સરકારે પૂરી નહોતી કરી, પણ મોદી સરકારે તે પૂરી કરી. અખિલેશજી સાંભળો, અગ્નિવીરમાં 100 ટકા રોજગારની ગેરંટી છે અને રહેશે.”
આ પણ વાંચો : સીએમ યોગીના નિવેદન પર Shivpal Yadavનો પલટવાર, કહ્યું હવે બંને નાયબ મુખ્યમંત્રી ભાજપને છેતરશે
વાત વધતા અખિલેશ યાદવે અનુરાગ ઠાકુરને જણાવ્યું હતું કે, ‘’તમે ક્યારેય ચૈલનુ નામ સાંભળ્યું છે, કે તમે ચૈલ મિલિટ્રી સ્કૂલમાં ગયા છો. હું મિલિટ્રી સ્કૂલમાં ભણ્યો છું. પરમવીર ચક્ર વિજેતાઓના નામ તો મને પણ ખબર છે અને હું પણ ગણાવી શકું છું.’’
જવાબમાં અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ત’’મે તો માત્ર મિલિટ્રી સ્કૂલમાં ભણ્યા છો. હું તો આજે પણ આર્મીમાં કેપ્ટન રેન્કની સેવા આપું છું. અખિલેશજી માત્ર વાતોના વડા નહીં કરો. રાહુલ ગાંધી સાથે રહીને તમને પણ ગપગોળા હાંકવાની અને વાતોના વડા કરવાની આદત પડી ગઇ છે.’’
બીજેપી સાંસદના નિવેદન પર અખિલેશે તંજ કસતા કહ્યું હતું કે, “કદાચ તમે મંત્રી નથી રહ્યા, તેથી જ તમને વધુ તકલીફ થઇ રહી છે. હું તમને દર્દ કહું છું. જ્યારથી તમે યુપીમાં હાર્યા છો, ત્યારથી કોઈ અમને શુભેચ્છા નથી આપી રહ્યું, કોઇ તમને નમતું નથી. તે જ તમારી સમસ્યા છે. અમે એ વીડિયો જોયો છે. અમે જ્યારે પણ સરકારમાં આવીશું, ત્યારે અમે એક-બે વર્ષમાં આ અગ્નિવીર સિસ્ટમનો અંત લાવીશું.”