અખિલેશ નહીં લડે લોકસભા ચૂંટણી, કન્નોજથી ભત્રીજાને ઉમેદવારી

લખનૌ/કન્નોજ: સમાજવાદી પાર્ટીએ અખિલેશ યાદવની કન્નોજ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. સોમવારે જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીમાં તેજ પ્રતાપ યાદવને કન્નોજથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ બલિયાથી સનાતન પાંડેને ઉમેદવારી આપવામાં આવી છે. તેજ પ્રતાપ યાદવ સપાના પ્રમુખના ભત્રીજા છે અને તેમના લગ્ન 2015માં બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવની નાની દીકરી રાજલક્ષ્મી સાથે કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે તેજપ્રતાપ યાદવ આ પહેલાં મૈનપુરી બેઠક પરથી સંસદસભ્ય રહી ચૂક્યા છે. તેઓ મુલાયમ સિંહના મોટા ભાઈ રતન સિંહના પૌત્ર છે. તેજ પ્રતાપના પિતા રણવીર સિંહ યાદવનું માત્ર 36 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું હતું અને તેઓ બ્લોક પ્રમુખ રહ્યા હતા. રણવીરસિંહ યાદવ અને અખિલેશ યાદવ કાકાના દીકરા ભાઈઓ છે. આ રીતે તેજ પ્રતાપ તેમનો ભત્રીજો થાય છે.
આપણ વાંચો: Illegal Mining Case: આજે CBI લખનઉમાં અખિલેશ યાદવની પૂછપરછ કરી શકે છે, જાણો શું છે મામલો
તેજ પ્રતાપ યાદવનો જન્મ 21 નવેમ્બર, 1987માં થયો હતો. તેઓ 2014થી 2019 સુધી મૈનપુરીથી સંસદસભ્ય રહી ચૂક્યા છે. મુલાયમ સિંહ યાદવે 2014ાં લોકસભાની ચૂંટણીમાં આઝમગઢ અને મૈનપુરી બંને બેઠકો પર વિજય મેળવ્યો હતો. મૈનપુરીની બેઠક પરથી તેમણે રાજીનામું આપતાં અહીં પેટા ચૂંટણી થઈ હતી અને તેમાં તેજ પ્રતાપ યાદવ વિજયી થયા હતા.
તેજ પ્રતાપ કર્નલ બ્રાઉન કેમ્બ્રિજ સ્કૂલ, દહેરાદૂન અને દિલ્હી પબ્લિક સ્કૂલ, નોઈડામાં ભણ્યા છે. ત્યારબાદ તેઓ લીડ્સ યુનિવર્સિટી બિઝનેસ સ્કૂલમાંથી એમબીએની ડિગ્રી મેળવી ચૂક્યા છે. સિરસાગંજ અને શિકોહાબાદથી સપાના ભૂતપૂર્વ વિધાનસભ્ય રહેલા હરિઓમ યાદવ તેમના નાના થાય છે.