આકાશ આનંદ બન્યો બસપાનો ઉત્તરાધિકારી, માયાવતીએ ભત્રીજા માટે પાર્ટીનું ભવિષ્ય દાવ પર લગાડ્યું?
લખનૌ: બહુજન સમાન પાર્ટીના સુપ્રીમો માયાવતીએ આજે લખનૌમાં યોજાયેલી બેઠકમાં એક મોટો નિર્ણય લીધો છે. સૂત્રો મુજબ માયાવતીએ બસપાની આ બેઠક દરમિયાન સૌની સામે એલાન કર્યું હતું કે હવે બસપાનો આગામી ઉત્તરાધિકારી તેમનો ભત્રીજો આકાશ આનંદ હશે.
આ બેઠકમાં માયાવતીએ પાર્ટીના તમામ પદાધિકારીઓ અને તમામ રાજ્યોના પ્રમુખોને પણ બોલાવ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી આકાશની સક્રિયતા પાર્ટીમાં વધી છે. શરૂઆતમાં માયાવતીએ આકાશને પાર્ટીના નેશનલ કોઓર્ડિનેટરનું પદ સોંપ્યું હતું. આકાશ આનંદ માયાવતીના નાનાભાઇ આનંદકુમારના પુત્ર છે. તેઓ ગુડગાંવની શાળામાં ભણ્યા અને કોલેજના શિક્ષણ માટે તેઓ વિદેશ ગયા હતા. આકાશે લંડનથી માસ્ટર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી મેળવેલી છે. તેમની રાજકારણમાં એન્ટ્રી વર્ષ 2017માં થઇ હતી. એક મોટી રેલી યોજીને માયાવતીએ 2017માં આકાશને રાજકારણમાં લોન્ચ કર્યા હતા.
જો કે આકાશને લોન્ચ કરવા છતાં પણ ઉત્તરપ્રદેશના રાજકારણમાં બસપાનું પ્રભુત્વ ઓછું થઇ રહ્યું છે. એ બહુજન સમાન પાર્ટી, કે જેના સુપ્રીમો માયાવતીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનીને રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો, તેના હવે અત્યંત નબળી હાલતમાં દેખાઇ રહી છે. વર્ષ 2017 તથા 2019ની ચૂંટણીમાં પાર્ટીએ મોટી પછડાટ ખાધી હતી તેમજ વર્ષ 2022ની ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં માયાવતીની પાર્ટીને માંડ એક બેઠક મળી હતી. આમ, નબળાં પ્રદર્શનને કારણે હવે પાર્ટીના ભવિષ્ય સામે જોખમ તોળાઇ રહ્યું છે.
માયાવતીએ આમ તો ભલે તેના ભત્રીજાને ઉત્તરાધિકારી જાહેર કરી દીધો હોય પરંતુ આકાશને બદલે પાર્ટીમાં એવા ઘણા સિનીયર નેતાઓ હતા જેમને તક આપવામાં આવી હોત તો કદાચ એ નિર્ણય વધુ યોગ્ય સાબિત થાત. આકાશની રાજકીય કારકિર્દીનું યોગ્ય ઘડતર થાય, ચૂંટણીના દાવ-પેચનો અનુભવ મળે, એ બધી વાતો માટે માયાવતીએ જાણે પાર્ટીનું ભવિષ્ય દાવ પર લગાડ્યું છે.