નેશનલ

આકાસા એરલાઇન્સ બંધ થશે નહીં, 43 પાઇલટના રાજીનામા બાદ કંપની CEOએ કરી સ્પષ્ટતા

હજુ ગયા વર્ષે જુલાઇમાં જ શરૂ થયેલી આકાસા એરલાઇન્સ તેના પરિચાલનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ગત મહિને ઓગસ્ટમાં કંપનીને 700 ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી. એરલાઇન્સ કંપનીના 43 પાઇલટએ એકસાથે રાજીનામું આપી દેતા તેના ઓપરેશન્સ ખોરવાયા હોવાની વાતો બજારમાં ફેલાઇ રહી હતી. જેના પગલે આકાસાના CEO વિનય દુબેએ સ્પષ્ટતા કરી એરલાઇન્સ કંપની બંધ થવાની અફવાને રદિયો આપ્યો છે.

આકાસા એરના CEO વિનય દુબેએ કર્મચારીઓને પત્ર લખી જણાવ્યું છે કે કંપની શટ ડાઉન થવા નથી જઇ રહી. કંપની પાઇલટ્સના આડેધડ રાજીનામાને કારણે તેના સંચાલનમાં કેટલાક અવરોધોનો સામનો કરી રહી છે, પરંતુ કર્મચારીઓ આશ્વસ્ત રહે કે કંપની બંધ નથી થઇ રહી, એમ પત્રમાં વિનય દુબેએ જણાવ્યું હતું.

પાઇલટ્સના એક સમૂહ દ્વારા નોટિસ પીરિયડ ભર્યા વગર જ ફરજ છોડીને જતા રહ્યા હતા. જેને કારણે જુલાઇથી સપ્ટેમ્બર સુધીના કંપનીના ઓપરેશન્સ તકલીફો ઉભી થઇ હતી. અને મુસાફરોને પણ હાલાકી ભોગવવી પડી હતી. આવા પાઇલટ્સ સામે કંપનીએ લીગલ એક્શન લઇ રહી છે.

કોન્ટ્રાક્ટનો ભંગ જ નહિ પરંતુ દેશના ઉડ્ડયન નિયમોનો પણ તેમણે ભંગ કર્યો છે. આ ઉપરાંત સાથી કર્મચારીઓ કે જેમણે મહેનત અને પરિશ્રમથી આ એરલાઇન કંપનીના વિકાસમાં ફાળો આપ્યો છે તેમનું પણ આ લોકોએ અપમાન કર્યું છે, પરંતુ નિશ્ચિત રહેજો કેમકે આ તકલીફો ટૂંકાગાળાની જ છે. તેમ વિનય દુબેએ ઉમેર્યું હતું.
આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું હતું કે કંપની ટૂંક જ સમયમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચાલુ કરશે. આપણે એક ઉત્કૃષ્ટ એરલાઇન કંપની ઉભી કરી છે અને આપણે આ ઇન્ડસ્ટ્રીમાં લોંગ રન માટે છીએ, કોઇપણ વ્યક્તિ ગમે તે કહે સાચું માનશો નહિ, તેમ વિનય દુબેએ ઉમેર્યું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button