અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો: કોર્ટમાં સર્વે માટે અરજી દાખલ

જયપુરઃ રાજસ્થાનમાં આજે એક જિલ્લા કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં અજમેર દરગાહ મૂળરૂપે ‘શિવ મંદિર’ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સાથે જ આ સ્થળનો સર્વે કરવાની પણ માંગ કરવામાં આવી હતી.
આ અરજી અજમેરની એક કોર્ટમાં જમણેરી જૂથ મહારાણા પ્રતાપ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ રાજવર્ધન સિંહ પરમાર દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અજમેર દરગાહ એક શિવ મંદિર હતું અને પછીથી તેને દરગાહ બનાવી દેવામાં આવ્યું હતું. હું લાંબા સમયથી આ મુદ્દા માટે લડી રહ્યો છું. પહેલા રાષ્ટ્રપતિને એક અરજી સોંપવામાં આવી હતી. જેને રાજસ્થાનના મુખ્ય સચિવને મોકલી દેવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું કે અરજીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ(એએસઆઇ) દ્વારા સર્વેક્ષણની પણ માંગ કરવામાં આવી છે. વરિષ્ઠ વકીલ એ પી સિંહે જણાવ્યું કે અરજી અજમેરના જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો કે આ જગ્યાએ ભગવાન શિવને સમર્પિત એક મંદિર હતું અને તે પ્રાચીન કાળનું છે.
વર્ષ ૨૦૨૪માં હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ પણ આવો દાવો કરતી એક અરજી દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ એક મંદિરની જગ્યા ઉપર બનાવવામાં આવી હતી. તેમણે દરગાહને હિન્દુ મંદિર જાહેર કરવાની માંગ પણ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અજમેર શરીફ દરગાહને ભારતના સૌથી પવિત્ર મુસ્લિમ યાત્રાધામો પૈકીનું એક માનવામાં આવે છે. તે અજમેરમાં એક પ્રખ્યાત સ્થળ પણ છે. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી પર્શિયાના એક સૂફી સંત હતા. તેઓ અજમેર આવ્યા અને ઇ.સ. ૧૧૯૨ થી ૧૨૩૬ સુધી એટલે કે તેમના મૃત્યુ સુધી પોતાનું ઘર બનાવીને રહ્યા હતા.



