Assembly Election: અજિત પવાર અચાનક પાટનગરમાં અમિત શાહ સાથે શું કામ બેઠક યોજી?

મુંબઈ: એનસીપીના અધ્યક્ષ અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મંગળવારે મોડી રાતે ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની દિલ્હીમાં મુલાકાત લીધી હતી. તેમની સાથે એનસીપીના સાંસદ પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે પણ હાજર હતા.
લોકસભાની ચૂંટણીમાં ભાજપને ખમવા પડેલા ફટકા બાદ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં શી રણનીતિ રહેવી જોઇએ એ અંગે ચર્ચા થઇ હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. એવું કહેવાઈ રહ્યું છે કે અજિત પવારે રાજ્યમાં મહાયુતિની બેઠક વહેંચણી અને રણનીતિ અંગે અત્યારથી જ સૂત્રો ચલાવવાનાં શરૂ કરી દીધાં છે.
આ પણ વાંચો: ગિરીશ મહાજન અને અજિત પવાર વચ્ચે થયો નવો વિવાદ, જાણો શું છે મુદ્દો?
લોકસભાની ચૂંટણી બાદ હવે વિધાનસભાની ચૂંટણી પર તમામ રાજકીય પક્ષોનો ડોળો છે. આ જ કારણ છે કે મહારાષ્ટ્રમાં તમામ પક્ષોએ પોતાની ગતિવિધિ ઝડપી બનાવી દીધી છે. એના જ ભાગરૂપે મંગળવારે રાતે પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરેની સાથે એનસીપીના અધ્યક્ષ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મંગળવારે મોડી રાતે અમિત શાહની છૂપી મુલાકાત લીધી હોવાનું કહેવાય છે.
લોકસભામાં જે પરિણામ આવ્યાં છે એ જ વિધાનસભામાં પણ જોવા મળે એવી કામગીરી વિધાનસભામાં કરવા માટે મહાવિકાસ આઘાડીના નેતાઓ પ્રયત્નશીલ છે, જ્યારે લોકસભામાં લાગેલા ફટકાનું વિધાનસભામાં પુનરાવર્તન ન થાય એ માટે મહાયુતિ પણ રણનીતિ ઘડી રહી છે. એ જ દૃષ્ટિએ ભાજપના કાર્યકર્તાઓને વધુ જોમ મળે એ માટે બે દિવસ પહેલાં અમિત શાહની મુખ્ય હાજરીમાં પુણે ખાતે ભાજપે રાજ્યવ્યાપી અધિવેશનનું આયોજન કર્યું હતું.
આ પણ વાંચો: Parliament: સાંસદોને અંદર આવતા અટકાવવામાં આવ્યા… વિપક્ષી સાંસદોનો હોબાળો
એવું કહેવાય છે કે એ સમયે પણ અજિત પવારે અમિત શાહ સાથે ખાનગીમાં બેઠક કરી હતી અને હવે બીજી વાર તેઓએ છેક દિલ્હીમાં અમિત શાહની મુલાકાત લીધી હતી. આથી મહાયુતિમાં હાલ ચોક્કસ શી હિલચાલ થઇ રહી છે એ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે.
અમિત શાહ અને અજિત પવારની મુલાકાત પછી ભાજપના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સવારે દિલ્હી પહોંચ્યા હતા. આ મુલાકાતનો ઉદ્દેશ આગામી વિધાનસભાની ચૂંટણી માટે એનડીએના નેતૃત્વમાં મહાયુતિ ગઠબંધનની સીટ શેરિંગ પર ચર્ચા કરવામાં આવી હતી. એના સિવાયના બે કારણમાં પહેલું તો તેમને મુખ્ય પ્રધાન બનવું છે અથવા અલગથી ચૂંટણી લડવી છે એવી અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે.