બદલો લેવાની વાત સાથે અજીત ડોભાલે યુવાનોને સમજાવ્યો યુદ્ધનો હેતુ: જાણો શું બોલ્યા NSA

નવી દિલ્હી: ભારતના સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલનો સમાવેશ થાય છે. તેમને સાંભળવા એક લ્હાવો છે. તાજેતરમાં તેઓ વિકસિત ભારત યુવા નેતાઓના સંવાદ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અજીત ડોભાલે પોતાના સંબોધનમાં યુવાનોને રાષ્ટ્રની સુરક્ષા, ઇતિહાસના પાઠ, યુવાનોની જવાબદારી અને યુદ્ધનો વાસ્તવિક હેતુ પ્રેરણાદાયી અને આક્રમક અંદાજમાં સમજાવ્યો હતો.
આપણા ઇતિહાસનો ‘બદલો’ લેવો જોઈએ
અજિત ડોભાલ સંઘર્ષથી ભરેલા ભારતના ઇતિહાસને યાદ કરતા જણાવ્યું હતું કે, “આપણી આજની સ્વતંત્રતા પૂર્વજોના અનેક બલિદાનોનું પરિણામ છે. સ્વતંત્ર ભારત હંમેશા અત્યાર જેટલું મુક્ત નહોતું; પૂર્વજોએ આ માટે અપાર અપમાન અને લાચારી સહન કરી છે. આપણા ગામડાઓ બાળી નાખવામાં આવ્યા અને સંસ્કૃતિનો નાશ કરવાના પ્રયાસો થયા. મંદિરો લૂંટાયા ત્યારે આપણે મૂક પ્રેક્ષક બનીને લાચારીથી જોતા રહ્યા હતા.”
ડોભાલ યુવાનોને પડકાર ફેંકતા કહ્યું કે, “ઐતિહાસિક ઘટનાઓમાંથી પ્રેરણા લઈને ભારતને ફરીથી મહાન બનાવવું જોઈએ. દરેક યુવાનમાં પરિવર્તનની આગ હોવી જોઈએ અને આપણે આપણા ઇતિહાસનો ‘બદલો’ લેવો જોઈએ.” અજીત ડોભાલની બદલો લેવાની વાતનો અર્થ એ હતો કે, આપણે દેશને એ સ્તરે લઈ જવાનો છે, જ્યાં આપણા અધિકારો અને વિચારધારાના આધારે એક મહાન રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે.
યુદ્ધો હિંસા માટે નહીં પણ…
અજીત ડોભાલે પોતાના સંબોધનમાં ભારતીય સભ્યતાના ઉમદા મૂલ્યો અને ભૂતકાળની ભૂલો વિશે પણ ગંભીર ચર્ચાઓ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આપણી સભ્યતા ઘણી વિકસિત હતી. આપણે ક્યારેય કોઈના ધાર્મિક સ્થળોનો નાશ કર્યો નથી કે લૂંટના ઈરાદે કોઈ દેશ પર હુમલો કર્યો નથી. જોકે, આપણે આપણી સુરક્ષા સામેના જોખમોને સમજવામાં નિષ્ફળ રહ્યા હતા. તે સમયની નિષ્ક્રિયતાના પરિણામે આપણને મોટો પાઠ શીખવા મળ્યો છે. જો ભાવી પેઢીઓ ઇતિહાસના આ પાઠ ભૂલી જશે, તો તે ભારત માટે સૌથી મોટી દુર્ઘટના ગણાશે.”
ઇચ્છાશક્તિને રાષ્ટ્રીય શક્તિમાં પરિવર્તિત કરવા પર ભાર મૂક્યો હતો અને યુવાનોનો યુદ્ધનો હેતુ સમજાવ્યો હતો. યુદ્ધ અંગે અજીત ડોભાલે જણાવ્યું હતું કે, “વ્યક્તિગત ઇચ્છાશક્તિ જ અંતે રાષ્ટ્રીય શક્તિ બને છે. આપણે કોઈ મનોરોગી નથી કે જે દુશ્મનના મૃતદેહો જોઈને સંતોષ મેળવે; યુદ્ધો હિંસા માટે નહીં પણ દુશ્મનનું મનોબળ તોડવા માટે લડવામાં આવે છે. યુદ્ધનો મુખ્ય ઉદ્દેશ્ય દુશ્મનને આપણી શરતો સ્વીકારવા મજબૂર કરી ઇચ્છિત લક્ષ્યો પ્રાપ્ત કરવાનો હોય છે.”



