ઐસા ભી હોતા હૈઃ પ્રેમીએ બે પ્રેમીકા સાથે લીધા સાત ફેરા
સોશિયલ મીડિયા અને પ્રસાર માધ્યમોને લીધે દેશના ખૂણેખાચરે બનતી ઘટના પણ જાહેર થઈ જાય છે. આવો જ એક ન માન્યામાં આવે તેવો કિસ્સો રાજસ્થાનમાં બન્યાનું જાણવા મળ્યું છે.
અહીંના બાંસવાડા જિલ્લાના આનંદપુરી વિસ્તારમાં એક લગ્ન યોજાયા હતા, જેમાં સમગ્ર ગ્રામજનોએ ભાગ લીધો હતો. આનંદપુરી વિસ્તારના અંબાદરા ગામના એક વ્યક્તિએ તેની બે પ્રેમીકા સાથે 7 ફેરા ફર્યા હતા. આ લગ્ન તમામ વિધિઓ સાથે સંપન્ન થયા હતા. નવાઈની વાત તો એ છે કે લગ્નમાં હાજર તમામ લોકોએ વરરાજાને પુષ્પોની વર્ષા કરી અને આશીર્વાદ આપ્યા. આંબાદરીના રહેવાસી નરેશ પારગીએ ગુરુવારે મોડી રાત્રે રેખા અને અનિતા સાથે લગ્ન કર્યા હતા.
નરેશ અને રેખાની મુલાકાત 2013માં થઈ હતી. જ્યારે બંનેએ પહેલીવાર એકબીજાને જોયા ત્યારે તેઓ એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. આ પછી બન્ને લગ્ન કર્યા વિના સાથે રહેવા લાગ્યા હતા. નરેશ આર્થિક રીતે ખૂબ જ નબળો હતો, તેથી ત્યારે તે લગ્ન કરી શક્યો ન હતો.
તે બાદ વર્ષ 2018માં તેને અનિતા નામની મહિલા સાથે પ્રેમ થયો હતો અને તેણે તેની સાથે લગ્ન ન કરતા તેને ઘરે લાવી રાખી હતી. આમ તે બે મહિલા સાથે રહેતો હતો. ધીરે-ધીરે જ્યારે તેની આર્થિક સ્થિતિ સુધરતી ગઈ ત્યારે તેણે લગ્ન કરવાનું નક્કી કર્યું. જે બાદ ગુરુવારે તેણે સામાજિક રીતિ-રિવાજ મુજબ લગ્ન કરી લીધા હતા.
તેમના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા અને ઢોલ પણ વગાડવામાં આવ્યા. લગ્ન જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા. નરેશની પહેલી પત્ની રેખાએ જણાવ્યું કે તે તેની સાથે ઘરે રહેતી હતી. તેના પરિવારે પણ તેનો સ્વીકાર કર્યો છે. એટલું જ નહીં રેખાને એક પુત્રી પણ છે જે હવે 6 વર્ષની છે. 2 મહિના પહેલા પુત્રનો જન્મ પણ થયો છે.
નરેશે ગુજરાતમાં મજૂરી કામ કરીને પૈસા ભેગા કર્યા અને પછી સામાજિક રિવાજ મુજબ લગ્ન કર્યા.