ઐસા ભી હોતા હૈ!: Baby Monkey સાથે રમવા બદલ 6 નર્સ સસ્પેન્ડ

બહરાઇચ: અહીંની સરકારી મહિલા હોસ્પિટલમાં ફરજ વખતે નર્સ દ્વારા વાંદરા સાથે રમત કરવા બદલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી હતી. ડ્યૂટી વખતે વાંદરા (Baby Monkey) સાથે રમતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ છ નર્સને સસ્પેન્ડ કરવામાં આવી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
વાયરલ વીડિયોમાં કેટલીક નર્સો એપ્રન પહેરીને હોસ્પિટલની ખુરશીઓ પર બેઠેલી વાંદરાના બચ્ચા સાથે રમતી દેખાઇ હતી. મહારાજા સુહેલદેવ ઓટોનોમસ સ્ટેટ મેડિકલ કોલેજ હેઠળ સંચાલિત મહર્ષિ બાલાર્ક હોસ્પિટલના મુખ્ય તબીબી અધિક્ષક ડૉ એમ. એમ. ત્રિપાઠીએ આજે જણાવ્યું હતું કે સ્ટાફ નર્સોને હોસ્પિટલના સ્ત્રીરોગવિજ્ઞાન અને પ્રસૂતિ વિભાગમાં નિયુક્ત કરવામાં આવી હતી.
ત્રિપાઠીએ જણાવ્યું હતું કે વાયરલ વીડિયોની નોંધ લેતા, મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ સંજય ખત્રીએ ૫ જુલાઈના રોજ તમામ છ નર્સ- અંજલિ, કિરણ સિંહ, આંચલ શુક્લા, પ્રિયા રિચર્ડ, પૂનમ પાંડે અને સંધ્યા સિંહને સસ્પેન્ડ કરી છે.
ડોકટરોની પાંચ સભ્યની કમિટી આ મામલે તપાસ કરી રહી છે. જ્યાં સુધી તપાસ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી છ નર્સોને આગામી આદેશ સુધી વિભાગમાં કામ કરવાથી સસ્પેન્ડ કરવામાં આવે છે, એમ આદેશમાં જણાવાયું છે.