આસમાને પહોંચતા 'એરફેર' પર લગામઃ તહેવારોમાં ટિકિટના ભાવ નિયંત્રિત કરવા માટે વધુ ફ્લાઈટ્સ દોડાવવાનો નિર્દેશ...
નેશનલ

આસમાને પહોંચતા ‘એરફેર’ પર લગામઃ તહેવારોમાં ટિકિટના ભાવ નિયંત્રિત કરવા માટે વધુ ફ્લાઈટ્સ દોડાવવાનો નિર્દેશ…

તહેવારોની મોસમ આવતા જ હવાઈ ટિકિટના ભાવ આસમાને પહોંચી જાતા હોઈ છે, પરંતુ આ વખતે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ બેકાબૂ ભાડા વધારા પર લગામ લગાવવા માટે કડક વલણ અપનાવ્યું છે. મંત્રાલયે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને તહેવારો દરમિયાન ભાડાઓ પર નજર રાખવા અને જરૂરી પગલા લેવા સૂચના આપી છે. આ નિર્ણયથી મુસાફરોને આશા બંધાઈ છે કે આ વખતે તેઓ સસ્તી હવાઈ મુસાફરીનો લાભ લઈ શકશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે DGCAને તહેવારોની મોસમમાં હવાઈ ભાડાઓ પર નજર રાખવા અને બેકાબૂ વધારો થાય તો તેને નિયંત્રિત કરવા સૂચના આપી છે. DGCAએ એરલાઇન્સ સાથે ચર્ચા કરીને તેમને સલાહ આપી છે કે તહેવારો દરમિયાન મુસાફરોની વધતી માંગને પહોંચી વળવા વધારાની ફ્લાઇટ્સ શરૂ કરે. આના જવાબમાં એરલાઇન્સે જણાવ્યું કે તેઓ તહેવારોની સિઝનમાં વધારાની ઉડાનો ઉમેરી રહી છે, જેથી ટિકિટની અછત અને ભાવ વધારાની સમસ્યા ન સર્જાય.

ભારતીય એરલાઇન્સે તહેવારોની મોસમમાં મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા માટે મોટી સંખ્યામાં વધારાની ઉડાનો શરૂ કરવાનું આયોજન કર્યું છે. ઇન્ડિગો (IndiGo) 42 સેક્ટરોમાં લગભગ 730 વધારાની ઉડાનો શરૂ કરશે, જ્યારે એર ઇન્ડિયા (Air India) અને એર ઇન્ડિયા એક્સપ્રેસ (Air India Express) સંયુક્ત રીતે 20 સેક્ટરોમાં 486 ઉડાનો ઉમેરશે. સ્પાઇસજેટ (SpiceJet) 38 સેક્ટરોમાં 546 વધારાની ઉડાનો સંચાલિત કરવાની યોજના ધરાવે છે. કુલ મળીને, ભારતીય એરલાઇન્સ 1,700થી વધુ વધારાની ઉડાનો દ્વારા મુસાફરોની માંગને પૂરી કરવા તૈયાર છે.

આ નિર્ણય અને કડક કાર્યવાહીનું કરવાનું કારણ તાજેતરમાં સંસદની પબ્લિક અકાઉન્ટ કમિટી (PAC) દ્વારા વ્યક્ત કરવામાં આવેલી નારાજગી છે. કમિટીએ તહેવારો અને રજાઓ દરમિયાન હવાઈ ભાડામાં થતા બેકાબૂ વધારા પર ચિંતા વ્યક્ત કરી હતી અને DGCAને ઘરેલુ ઉડાનોના ભાડાને નિયંત્રિત કરવા તેમજ વ્યસ્ત રૂટ પર વધુ ફ્લાઇટ્સ શરૂ કરવાની ભલામણ કરી હતી. આ ભલામણના પગલે મંત્રાલયે આ નિર્ણય લીધો છે.

DGCAએ પબ્લિક અકાઉન્ટ કમિટીને જણાવ્યું હતું કે તે એક એવી સિસ્ટમ વિકસાવી રહ્યું છે, જે માંગના સમયે ભાડાને અનિયંત્રિત રીતે વધતા અટકાવશે. આ પગલાથી મુસાફરોને આશા છે કે આગામી તહેવારોની સિઝનમાં તેઓ વાજબી ભાવે હવાઈ મુસાફરી કરી શકશે. આ નિર્ણયથી ન માત્ર મુસાફરોને રાહત મળશે, પરંતુ એરલાઇન્સ ઉદ્યોગ પણ વધુ વ્યવસ્થિત રીતે કામ કરી શકશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button