નેશનલ

એકસ્ટ્રા અફેરઃ પ્રદૂષણને ફેફસાંની બીમારી સાથે સંબંધ નથી એ વાત કોણ માને?

ભરત ભારદ્વાજ

હવાના પ્રદૂષણના કારણે શ્વાસની તકલીફ અને ફેફસાંના રોગ થાય?
આ સવાલ સામાન્ય બુદ્ધિ ધરાવતા સો લોકોને પૂછો તો તમામ સો લોકોનો જવાબ એક જ હોય કે, પ્રદૂષણના કારણે ફેફસાંને ખરાબ અસર થાય અને ફેફસાંના રોગ પણ થાય પણ આપણી કેન્દ્ર સરકાર એવું નથી માનતી.

હવાનું પ્રદૂષણ વધે તેથી એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) વધે છે. એક ને એક બે થાય એ સાદા નિયમ પ્રમાણે, એક્યુઆઈ વધે એટલે ફેફસાંના રોગ પણ વધે પણ કેન્દ્ર સરકારનું કહેવું છે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ના ઊંચા સ્તર અને ફેફસાંની બીમારીઓ વચ્ચે સીધો સંબંધ નથી કેમ કે આ વાત સાબિત કરતા કોઈ નક્કર વૈજ્ઞાનિક ડેટા ઉપલબ્ધ નથી.

આઘાતજનક વાત એ છે કે, કેન્દ્ર સરકારે સંસદમાં લેખિત જવાબમાં આ દાવો કર્યો છે. દિલ્હીમાં હમણાં વધેલા પ્રદૂષણના કારણે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે એ સંદર્ભમાં ભાજપના સાંસદ લક્ષ્મીકાંત વાજપેયીએ સવાલ કર્યો હતો કે, દિલ્હી-NCRમાં લાંબા સમયથી AQIનું પ્રમાણ ખતરનાક સ્તરે છે તેથી લોકોની ફેફસાંની ક્ષમતા ઘટી રહી છે?

કેન્દ્ર સરકાર વતી પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી કીર્તિવર્ધન સિંહે રાજ્યસભામાં લેખિત જવાબમાં કહ્યું કે, એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ના ઊંચા સ્તર અને ફેફસાંની બીમારીઓ વચ્ચે સીધો સંબંધ નથી કેમ કે આ વાત સાબિત કરતા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.

પ્રધાનશ્રીએ આપેલો જવાબ આપણા માથે કેવા લોકોને થોપી દેવાયા છે તેનો નાદાર નમૂનો છે કેમ કે આપણા પ્રધાનશ્રી લોકોને રીસતર મૂરખ બનાવી રહ્યા છે અને કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે 15 દિવસ પહેલાં એટલે કે 3 ડીસેમ્બરે આપેલા જવાબની વાત જ ગૂપચાવી ગયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 3 ડિસેમ્બરે રાજ્યસભામાં જણાવ્યું હતું કે 2022થી 2024 દરમિયાન દિલ્હીની છ મોટી સરકારી હૉસ્પિટલોમાં શ્વાસ સંબંધિત સમસ્યાઓના 2.05 લાખ કેસ આવ્યા હતા અને તેમાંથી લગભગ 35 હજાર દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

આરોગ્ય મંત્રાલયે સ્વીકારેલું કે, શ્વાસ સંબંધિત રોગોનું મુખ્ય કારણ વાયુ પ્રદૂષણ છે. વાયુ પ્રદૂષણ વધે એ એક્યુઆઈમાં મપાય છે તેનો મતલબ કે, એક્યુઆઈ વધ્યો તેના કારણે શ્વાસને સંબંધિત રોગોનું પ્રમાણ વધ્યું છે. ફેફસાં નબળાં પડે તો જ શ્વાસ સંબંધિત રોગો વધે એ વાત પ્રાથમિક શાળાનાં છોકરાંને ભણાવાતી હોય છે તેથી તેના વિશે વધારે ચર્ચા કરવી મૂર્ખામી કહેવાય પણ સીધી ત્રિરાશિ માંડો તો એ જ સાબિત થાય કે, એક્યુઆઈના કારણે ફેફસાં નબળાં પડે છે પણ આપણી સરકાર એ વાત સ્વીકારવા તૈયાર નથી.

સૌથી મહત્ત્વની વાત એ છે કે, આરોગ્ય મંત્રાલયે આપેલો જવાબ ડોક્ટરોના રિપોર્ટને આધારે જ હશે એ છતાં સરકાર ખુલ્લેઆમ કહે છે કે, ફેફસાંના રોગને એક્યુઆઈ વધવા સાથે સંંબંધ હોવાનું સાબિત કરતા વૈજ્ઞાવિક ડેટા નથી. આરોગ્ય મંત્રાલયની કબૂલાત અને ડોક્ટરોનો રિપોર્ટ વૈજ્ઞાનિક ડેટા ના ગણાય? સરકાર તેને વૈજ્ઞાનિક ડેટા ના ગણતી હોય તો શેને વૈજ્ઞાનિક ડેટા માને છે એ સ્પષ્ટતા પણ કરવી જોઈએ.

પ્રદૂષણ વધે તેના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે અને સૌથી વધારે અસર શ્વસનતંત્રને થાય છે એ વાત વરસોથી ડોક્ટરો અને સંશોધકો કહે છે. પ્રદૂષણના જોખમી સ્તરને કારણે લોકોને ફાઇબ્રોસિસ એટલે કે ફેફસાંની ક્ષમતામાં કાયમી ઘટાડો થવાની સમસ્યા થાય છે એ વૈજ્ઞાવિક રીતે સાબિત થયેલું છે.

એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) જેવા શબ્દો તો છેલ્લાં કેટલાંક વરસોથી હવામાં તરતા થયા પણ એ પહેલાંથી આ વાત સાબિત થયેલી છે તો પછી તેને લગતા વૈજ્ઞાનિક ટેડાની શું જરૂર? આ વાત જેને ના સમજાય એ માણસ કાં ભોટ હોય કાં લુચ્ચાઈ કરતો હોય પણ સરકારમાં બેઠેલા લોકો ભોટ નથી હોતા.

કેન્દ્ર સરકારને આ વાત સ્વીકારવામાં ખચકાટ કેમ થઈ રહ્યો છે એ પણ કહેવાની જરૂર નથી. દિલ્હીમાં ભાજપની સરકાર છે ને પોતાની માને કોણ ડાકણ કહે?

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે ભાજપ પ્રદૂષણના મુદ્દે બહુ હોહા કરતો હતો. કેજરીવાલની સરકાર દિલ્લીમાં પ્રદૂષણ રોકવામાં નિષ્ફળ રહી છે અને લોકોના આરોગ્ય સામેના જોખમને ટાળી શકી નથી એવા આક્ષેપો ભાજપ કરતો હતો. દિલ્લીનાં લોકોએ આ બધી વાતોમાં આવીને ભાજપને સત્તામાં લાવી દીધો પણ દિલ્હીની સ્થિતિ સુધરી નથી. શિયાળો આવ્યો નથી કે પાછી પ્રદૂષણની મોંકાણ મંડાઈ ગઈ છે ને ભાજપની સરકાર કશું કરી શકી નથી.

દિલ્હીમાં ગયા વરસે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ પછી ભાજપની સરકાર આવી અને રેખા ગુપ્તા મુખ્યમંત્રી બન્યાં હતાં. એ વખતે પણ શિયાળો હતો પણ પ્રદૂષણની સમસ્યા તેની ચરમસીમા પર પહોંચે એ સમય જતો રહેલો તેથી રેખા ગુપ્તાની સરકારને કોઈએ કશું કહ્યું નહીં.

અત્યારે સ્થિતિ જુદી છે અને ભાજપ સરકાર પાસે પ્રદૂષણની સમસ્યાને પહોમંચી વળવા માટે પૂરતો સમય હતો છતાં કશું કર્યું નથી. નાનાં નાનાં પગલાં લેવાયાં છે પણ તેના કારણે કોઈ રાહત નથી ને સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. લોકો પરેશાન છે જ ને આક્રોશમાં પણ છે. પ્રદૂષણને રોકવાના નામે વાહનોનાં ચેકિંગ, વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ, દંડ સહિતનાં જે પગલાં લેવાઈ રહ્યાં છે તેનાથી લોકો જરાય ખુશ નથી.

આ માહોલમાં કેન્દ્ર સરકાર એવું સ્વીકારે કે એક્યુઆઈ વધ્યો તેના કારણે દિલ્હીમાં ફેફસાંના રોગી વધી રહ્યા છે ને ભાજપ સરકાર હાથ પર હાથ મૂકીને બેઠી છે, લોકોને મરતાં રોકવા કશું નથી કરી રહી છે એવું સ્વીકારે તો ઉહાપોહ મચી જાય તેથી કેન્દ્ર સરકાર સાવ નામક્કર ગઈ છે. અને ભાજપની સરકારે પ્રદૂષણને નાથવા કેવાં પગલાં લીધાં તેની વાત માંડી દેવાઈ છે.

ભાજપના સાંસદ વાજપેયીએ તો એવા સવાલ પણ કરેલા કે, દિલ્હી-NCRના રહેવાસીઓનાં ફેફસાંની ક્ષમતા સારી હવા એટલે કે ઓછું પ્રદૂષણ ધરાવતાં શહેરોમાં રહેતા લોકો કરતા અડધી છે? સરકાર પાસે દિલ્હી-NCRના લાખો રહેવાસીઓની શ્વસનતંત્રની સમસ્યાઓ ફાઇબ્રોસિસ, ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD), એમ્ફિસીમા, ફેફસાંની ક્ષમતા અને ફેફસાની સ્થિતિસ્થાપકતામાં સતત ઘટાડો જેવા જીવલેણ રોગોથી બચાવવા માટે કોઈ ઉપાય છે?

હવે કેન્દ્ર સરકાર એક્યુઆઈને ફેફસાંના રોગ સાથે સંબંધ હોવાની વાત સ્વીકારવા જ તૈયાર નથી તો આ સવાલોનો જવાબ આપે એવી અપેક્ષા તો ક્યાંથી રખાય ?

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ ચીફ જસ્ટિસની ટિપ્પણી યોગ્ય પણ તેનો ફાયદો શું?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button