દિવાળી પહેલા શહેરોમાં પ્રદૂષણ વધ્યું! દિલ્હી-NCRમાં AQI ‘ગંભીર’ સ્તરે, જાણો મુંબઈની સ્થિતિ

નવી દિલ્હી: દિવાળી પહેલા વાતાવરણમાં થોડી ઠંડી વર્તાવા લાગી છે, એવામાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સાહિત દેશના ઘણા શહેરોની હવામાં પ્રદુષણની માત્રા વધવા લાગી છે. આજે બુધવારે સવારે દિલ્હીના કેટલાક વિસ્તારમાં પ્રદુષણ ગંભીર સ્તરે પહોંચ્યું હતું. દિલ્હી-NCRમાં પ્રદુષણ વધતા કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ મંગળવારે GRAP-I લાગુ કર્યું હતું.
આજે સવારે દિલ્હીમાં સરેરાશ ક્વોલિટી ઇન્ડેક્સ(AQI) 211 નોંધાયો હતો, જે Poor શ્રેણીમાં આવે છે. અહેવાલ મુજબ આજે દિલ્હીના આનંદ વિહારમાં પ્રદુષણ ગંભીર સ્તરે પહોંચ્યું હતું, વિસ્તારમાં AQI 350 ને પાર પહોંચ્યો હતો. જયારે નોઇડામાં AQI 269 પર પહોંચ્યો હતો, ગાઝિયાબાદમાં AQI 261 નોંધાયો હતો. ગુરુગ્રામમાં AQI 216 નોંધાયો હતો.
દિલ્હીમાં GRAP-1 લાગુ:
વધતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નું સ્ટેજ-1 લાગુ કરવામાં આવ્યું છે. જ્યારે AQI 200થી વધી જાય છે, ત્યારે આ પ્રતિબંધો લાગુ કરવામાં આવે છે. GRAP-1 લાગુ થતાં રસ્તાની બાજુમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટમાં કોલસાના ઉપયોગ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. કચરો ખુલ્લામાં બાળવા પર પણ પ્રતિબંધ છે.
મુંબઈમાં પણ પ્રદુષણ વધ્યું:
ચોમાસાની ઋતુ અંત થઇ રહી છે તેમ મુંબઈના AQIમાં ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે. આજે બુધવારે સવારે મુંબઈમાં AQI ‘મોડરેટ’ શ્રેણીમાં નોંધાયો હતો. અર્લી વોર્નિંગ સિસ્ટમ બુધવારે સવારે મુંબઈમાં AQI 138 નોંધાયો હતો.
આજે સવારે મુંબઈમાં સૌથી વધુ AQI ચેમ્બુર અને બાંદ્રા વિસ્તારમાં નોંધાયો હતો. ચેમ્બુરમાં AQI 229 નોંધાયો હતો, જ્યારે બાંદ્રામાં AQI 226 નોંધાયો હતો, જે ‘પૂઅર’ શ્રેણીમાં આવે છે. મુંબઈના અન્ય વિસ્તારોમાં, AQI ‘મોડરેટ’ અથવા ‘સેટિફેક્ટરી ‘ શ્રેણીમાં નોંધાયું હતું.
શિયાળો નજીક આવતા અને પવનની ગતિ ધીમી પડતાં, આગામી મહિનામાં મુંબઈમાં પ્રદુષણમાં વધારો થવાની શક્યતા છે.
આપણ વાંચો: NDAમાં સીટ વહેંચણીને લઈને ઉપેન્દ્ર કુશવાહાની નારાજગી વધી, દિલ્હીથી આવ્યું તાત્કાલિક બેઠકનું તેડું