
નવી દિલ્હી: એર ઈન્ડિયા એક્સપ્રેસે ઓપરેશન કારણોને ટાંકીને 16 સપ્ટેમ્બરે તેની મુંબઈથી લખનૌની ફ્લાઈટ AEX-2773ના પ્રસ્થાનમાં 10 કલાકનો વિલંબ કરતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો અને ટાટાની આ એરલાઇન્સ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ AIX-2773 શનિવારે રાત્રે 9.19 વાગ્યે મુંબઈથી ટેકઓફ કરવાની હતી, પરંતુ એરલાઈને છેલ્લી ક્ષણે મુસાફરોને જાણ કરી હતી કે ટેક્નિકલ કારણોસર ફ્લાઈટનો ટેક-ઓફ સમય બદલીને રવિવારે સવારે 7.15 વાગ્યે કરવામાં આવ્યો છે. એર ઇન્ડિયાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે” તેણે તેની ફ્લાઇટ્સ ફરીથી શેડ્યૂલ કરવી પડી હતી.
એરલાઇનના પ્રવક્તાએ કહ્યું હતું કે, “ આજે (શનિવારે) સાંજે દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી, જેમાં અમારી ગુવાહાટી-દિલ્હી ફ્લાઇટનો પણ સમાવેશ થાય છે જે લખનૌ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. ડાયવર્ઝનને કારણે દિલ્હી અને મુંબઈથી આવતી ફ્લાઈટ્સ પણ રિશિડ્યૂલ કરવામાં આવી છે. અમારા નિયંત્રણની બહારના સંજોગોને કારણે અમારા મહેમાનોને થયેલી અસુવિધા માટે અમે દિલગીર છીએ. અમારા ક્રૂ અને મહેમાનોની સલામતી અને સુખાકારી અમારી પ્રાથમિકતા છે. અમે અમારા મહેમાનોની સલામત અને આરામદાયક મુસાફરીની ખાતરી કરવા માટે દરેક સાવચેતી રાખીએ છીએ.
ફ્લાઇટના વિલંબ દરમિયાન અસરગ્રસ્ત મહેમાનો માટે નાસ્તો, રહેઠાણ અને પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી હોવાની પણ એરલાઇન પ્રવક્તાએ માહિતી આપી હતી.