એર ઈન્ડિયા ટિકિટના ભાવ અડધા થયા છતાં ફ્લાઈટ રહે છે ખાલી! પણ કેમ?

નવી દિલ્હી: ઉનાળામાં વેકેશનની સિઝનમાં ભારત અને દુબઈની વચ્ચેની ફ્લાઈટનું ભાડું જાણીને જ જીભ બહાર નીકળી આવે, પણ હવે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ આ જ રૂટ પર સૌથી સસ્તી ટિકિટ આપી રહી છે. મુસાફરોને આ ટિકિટ અડધા ભાવે મળી રહી છે. જો કે તેમ છતાં લોકો સસ્તી ટિકિટ લેવાને બદલે અન્ય વિક્લ્પોને પસંદ કરી રહ્યા છે. જેના કારણે સતત અનેક ફ્લાઈટને રદ્દ કરવામાં આવી રહી છે.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના જવાબદાર?
આનું કારણ છે ૧૨ જુનના રોજ અમદાવાદમાં સર્જાયેલ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના છે. આ દુર્ઘટના બાદ લોકો એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરવાથી બચી રહ્યા છે અને અન્ય વિકલ્પોને પસંદ કરી રહ્યા છે. આ દુર્ઘટના એર ઇન્ડિયાની ફ્લાઈટ AI171 અમદાવાદથી લંડન જવા ઉડાન ભરી રહી હતી અને આ દરમિયાન જ તે એરપોર્ટથી નજીક જ મેઘાણીનગરમાં ક્રેશ થઇ ગયું હતું. જેમાં ૨૪૧ લોકોના મોત થયું હતું. આ દુર્ઘટના બાદ સોશિયલ મીડિયામાં અનેક વિડિયો સામે આવ્યા હતા, જેમાં ફ્લાઇટની અંદરની ખરાબી હોવાનું સામે આવ્યું હતું.
એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ મીડિયા સાથેની વાતચીતમાં આપેલા નિવેદનમાં સ્વીકાર્યું કે અન્ય ઝડપથી વિકસતી એરલાઇનની જેમ કેટલીક ઓપરેશનલ સમસ્યાઓ ક્યારેક ઊભી થઈ શકે છે. જોકે, દરેક કેસને ગંભીરતાથી લેવામાં આવે છે. તેમણે કહ્યું કે, “અમે અમારી સેવાઓને ભરોસાપાત્ર અને મુસાફરોના અનુભવને સુધારવા માટે મેઇન્ટેનન્સ અને સેવા પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.”
એરલાઈનની સામે અનેક વિક્ષેપ
એક અહેવાલ મુજબ, એરલાઇનને આ મહિનામાં કેટલાક રૂટ પર વિક્ષેપોનો સામનો કરવો પડ્યો હતો. એક કિસ્સામાં, UAEથી ભારત જતી ફ્લાઇટમાં મુસાફરોએ ફરિયાદ કરી હતી કે એર કંડિશનર કામ કરતું ન હતું, જેના કારણે કેબિન ખૂબ ગરમ અને અસ્વસ્થ બની ગઈ હતી. અન્ય એક ઘટનામાં, દુબઈ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટને છ કલાકથી વધુ સમય સુધી રનવે પર રોકી રાખવામાં આવી હતી, જ્યારે આગામી ફ્લાઈટ સમયસર પહોંચી ગઈ હતી.