Air India એ મુસાફરો માટે આ નવી સુવિધા શરૂ કરી, મુસાફરી બનશે સરળ

મુંબઇ: એરલાઈન કંપની એર ઈન્ડિયા(Air India)મુસાફરોને નવી સુવિધા આપવા જઇ રહી છે. જેમાં એર ઈન્ડિયાના મુસાફરો હવે તેમના લગેજ સાથે જોડાયેલા ટેગને સ્કેન કરીને તેમની ચેક-ઈન બેગને ટ્રેક કરી શકશે. આ માટે એરલાઈને પોતાની મોબાઈલ એપમાં આ AI-આધારિત ફીચર રજૂ કર્યું છે. એર ઈન્ડિયાએ તેની એપમાં એઇવાઇ વિઝન (AEYE Vision)ફીચર રજૂ કર્યું છે, જે રિયલ ટાઈમ ટ્રાવેલ સંબંધિત માહિતી આપશે. એર ઈન્ડિયાને હાલમાં મુસાફરોના લગેજને લગતી અનેક ફરિયાદોનો સામનો કરવો પડ્યો હતો. જેની બાદ આ સુવિધા એડ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
એઇવાઇ વિઝન ફીચરની ખાસિયતો
મળતી માહિતી મુજબ, એર ઈન્ડિયાએ કહ્યું કે એઇવાઇ વિઝન મુસાફરોને તેમની ટિકિટ, બોર્ડિંગ પાસ અથવા બેગેજ ટેગ પર કોડ સ્કેન કરીને ફ્લાઇટ વિગતો, બોર્ડિંગ પાસ, સામાનની સ્થિતિ અને ભોજન વિકલ્પોને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. આ નવી સુવિધા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર આધારિત કમ્પ્યુટર વિઝન ટેક્નોલોજી દ્વારા સંચાલિત છે. આનાથી મુસાફરોને ખબર પડશે કે તેમનું લગેજ ક્યારે લોડ થાય છે અનલોડ થાય છે અને લગેજ પિક-અપ માટે તૈયાર છે.
વિસ્તારા એર ઈન્ડિયા સાથે મર્જ થઈ
ટાટા ગ્રૂપ અને સિંગાપોર એરલાઈન્સ વચ્ચેના સંયુક્ત સાહસ વિસ્તારાને એર ઈન્ડિયા સાથે મર્જ કરવામાં આવી રહ્યું છે.
જેમાં નિયમનકારી સંસ્થાની મંજૂરી મળ્યા બાદ વિસ્તારા એરક્રાફ્ટ અને ક્રૂને એર ઈન્ડિયામાં સામેલ કરવાની તારીખ 12 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. આ મર્જર બાદ સિંગાપોર એરલાઇન્સ પાસે ટાટા ગ્રૂપની માલિકીની એર ઇન્ડિયામાં 25.1 ટકા હિસ્સો રહેશે.