સબ સલામતઃ એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની તપાસ પૂરી કરી...

સબ સલામતઃ એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની તપાસ પૂરી કરી…

નવી દિલ્હીઃ અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયા પછી તમામ બોઈંગ વિમાનના ટેક્નિકલ ચકાસણીના નિર્દેશ આપ્યા પછી એર ઈન્ડિયાએ મહત્ત્વની કામગીરી પાર પાડી છે. આ મુદ્દે એર ઈન્ડિયાએ તેના તમામ બોઈંગ 787 અને 737 વિમાનની ઈંધણ નિયંત્રણ સ્વીચ (FCS)ના લોકિંગ સિસ્ટમનું નિરીક્ષણનું કામકાજ પૂરું કર્યું હતું.

એરલાઈને જણાવ્યું હતું કે 14 જુલાઈ 2025ના જાહેર કરવામાં આવેલા ડીજીસીએના નિર્દેશોનું પાલન કર્યું છે. એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે તેમના નિરીક્ષણમાં કોઈ સમસ્યા જણાઇ નહોતી. એર ઈન્ડિયાએ 12 જુલાઈએ સ્વૈચ્છિક નિરીક્ષણ શરૂ કર્યુ હતું અને ડીજીસીએ (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન) દ્વારા નિર્ધારિત સમયની અંદર પૂર્ણ કરવામાં આવ્યું હતું. નિયામકને તેની સૂચના આપવામાં આવી છે.

એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નિરીક્ષણ દરમિયાન ઉક્ત લોકિંગ મિકેનિઝમમાં કોઈ સમસ્યા જણાઈ ન હતી. એર ઇન્ડિયાએ ડીજીસીએના નિર્દેશ પહેલાં 12 જુલાઈએ સ્વૈચ્છિક નિરીક્ષણ શરૂ કર્યું હતું અને નિર્ધારિત સમયમર્યાદામાં તેને પૂર્ણ કરી લીધું છે. આ અંગે નિયમનકારી સંસ્થાને જાણ કરવામાં આવી છે.

એર ઇન્ડિયા મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. આ નિરીક્ષણ ગયા મહિને ડીજીસીએ દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશ બાદ કરવામાં આવ્યું હતું. આ નિર્દેશમાં બોઇંગ અને ભારતમાં કાર્યરત અન્ય વિમાનોના ઇંધણ નિયંત્રણ સ્વીચ સિસ્ટમની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

દેશમાં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી)એ બારમી જુલાઈના એર ઈન્ડિયાના પ્લેન એઆઈ-171નો પ્રાથમિક રિપોર્ટ આપ્યો છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે ઇઁધણ નહીં મળતા બંને એન્જિનમાં થ્રસ્ટ ઓછો થયો હતો અને ઉડાન ભર્યા પછી તાત્કાલિક ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ રનમાંથી કટઓફ સ્થિતિમાં ગઈ હતી.

ઉલ્લેખનીય છે 12 જુલાઈએ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું બોઈંગ 787-7 વિમાન ટેક ઓફ થયાની ગણતરીની સેકંડોમાં તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં વિમાન સવારે 241 મુસાફરો, ક્રૂ મેમ્બર્સ સહિત 260 લોકોના મોત થયા હતા. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હતા.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button