એર ઇન્ડિયાની ચેન્નઈ-કોલંબો ફ્લાઇટમાં પક્ષી ટકરાયું, એન્જિનમાં નુકસાનના ડરથી ફ્લાઇટ રદ્દ

ચેન્નઈ: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ વિમાનમાં સર્જાતી નાનામાં નાની ખામીને નજરઅંદાજ કરવામાં આવી રહી નથી. ટેક્નિકલ અથવા અન્ય કોઈ ખામીનો શિકાર બનેલા વિમાનનું તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવે છે. આજે પણ એર ઇન્ડિયાની એક ફ્લાઇટમાં ખામી સર્જાયાની ઘટના સર્જાઈ છે. જોકે, આ ખામી ટેક્નિકલ કારણોસર સર્જાઈ નથી.
વિમાનમાં પક્ષી ટકરાયું
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એર ઇન્ડિયાની કોલમ્બો-ચેન્નઈ ફ્લાઈટમાં ઉડાન દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ હતી. 158 યાત્રીઓ સાથે ચેન્નઈથી કોલમ્બો આવવા માટે નીકળેલી ફ્લાઈટમાં એક પક્ષી ટકરાયું હતું. જેના કારણે ફ્લાઈટની પરત ઉડાન રદ્દ કરવાની નોબત આવી હતી.
આ પણ વાંચો: બોલો, કાનપુર-દિલ્હી ફ્લાઇટમાં ઉંદર: પ્રવાસીઓમાં અફરાતફરી, ફ્લાઇટ રોકી દેવાઈ
એર ઇન્ડિયાના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું કે, 7 ઓક્ટોબરના રોજ AI273 ફ્લાઈટના પાઇલટે કોલંબો માટેની ઉડાન દરમિયાન બર્ડ સ્ટ્રાઈકની સૂચના આપી હતી. જેથી કોલંબોમાં લેન્ડિંગ કર્યા બાદ એન્જિનિયરોએ વિમાનની નિરીક્ષણ કર્યું હતું. જોકે, તેમાં કોઈ ખામી મળી આવી ન હતી. ત્યારબાદ આ વિમાનને ઉડાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ આ ફ્લાઈટ AI274ના રૂપમાં કોલંબોથી ચેન્નઈ આવી હતી.
જોકે, ચેન્નઈમાં AI274નું પોસ્ટ-ફ્લાઈટ ચેકિંગ કરતા એન્જિનિયરોને એન્જિનના બ્લેડ પર બર્ડ સ્ટ્રાઈકના નિશાન દેખાયા હતા. જેથી વધુ તપાસ અને નુકસાનનું કારણ જાણવા માટે AI274ની પરત ફરતી ફ્લાઇટને રદ્દ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, બર્ડ સ્ટ્રાઈકનો ભોગ બન્યા બાદ ચેન્નઈથી કોલમ્બો આવેલી ફ્લાઈટમાં 158 યાત્રીઓ સવાર હતા. જેઓને કોઈ નુકસાન થયું ન હતું. બર્ડ સ્ટ્રાઈકની જાણ વિમાનના લેન્ડિંગ બાદ થઈ હતી.