હાશ, બાંગ્લાદેશની હવાઈસેવા શરૂ થઈ, પહેલી ફ્લાઈટમાં 200 મુસાફર ભારત આવ્યા
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં ભારે અરાજકતા અને હિંસા છે અને રાજકીય ઉપલપાથલ વચ્ચે નાગરિકોની સુરક્ષા જોખમાઈ છે ત્યારે હવાઈસેવા આપતી ભારતીય કંપનીઓએ એક મોટી જાહેરાત કરી છે. અગાઉ તેમણે બાંગ્લાદેશ તરફ જતી તમામ ફ્લાઈટ્સ રદ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે ઢાકા માટે ફરીથી ફ્લાઈટ સર્વિસ શરૂ કરવાની તૈયારી કરી છે અને આજથી આ ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયાએ મંગળવારે ઢાકા માટે તેની સાંજની ફ્લાઈટનું સંચાલન કર્યું હતું, જ્યારે ઈન્ડિગો અને વિસ્તારા આજે બુધવારથી નિર્ધારિત ફ્લાઈટ્સનું સંચાલન કરશે.
એજન્સીના અહેવાલ મુજબ એર ઈન્ડિયા બાંગ્લાદેશની રાજધાનીથી લોકોને પરત લાવવા માટે વિશેષ ફ્લાઈટ ચલાવે તેવી પણ શક્યતા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એર ઈન્ડિયાએ મંગળવારે ઢાકા માટે તેની સવારની ફ્લાઈટ રદ કરી હતી, પરંતુ તેની સાંજની ફ્લાઈટ ઓપરેટ કરી હતી. આ પછી વિસ્તારા અને ઈન્ડિગોએ પણ 7 ઓગસ્ટથી બાંગ્લાદેશની રાજધાની માટે નિર્ધારિત સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે.
એર ઈન્ડિયા બુધવારે દિલ્હીથી ઢાકા સુધી તેની 2 દૈનિક ફ્લાઈટનું સંચાલન કરશે. મંગળવારે સાંજે, એર ઈન્ડિયાએ કહ્યું કે તે તેની સાંજની ફ્લાઈટ્સ AI237/238 દિલ્હી-ઢાકા-દિલ્હી સેક્ટર પર ચલાવશે.
એરલાઈને એમ પણ જણાવ્યું હતું કે ત્યાંની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે, 4 થી 7 ઓગસ્ટની વચ્ચે ઢાકાથી આવતી કોઈપણ ફ્લાઈટમાં કન્ફર્મ બુકિંગ ધરાવતા મુસાફરોને રિશેડ્યુલિંગમાં એક વખતની છૂટ આપવામાં આવી રહી છે. આ ઑફર 5 ઑગસ્ટના રોજ અથવા તે પહેલાં બુક કરાયેલી ટિકિટો પર લાગુ થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયાએ મંગળવારે મોડી રાત્રે ઢાકા એરપોર્ટ પર પડકારો હોવા છતાં ટૂંકી સૂચના પર વિશેષ ચાર્ટર ફ્લાઈટ ચલાવી હતી અને 199 મુસાફરો અને 6 બાળકોને ઢાકાથી દિલ્હી લઈ આવી હતી.
ઈન્ડિગો અને વિસ્તારા પણ આપશે સેવા
અહેવાલમાં સૂત્રોને ટાંકીને એમ પણ કહેવામાં આવ્યું છે કે એર ઈન્ડિયા સિવાય, ટાટા ગ્રૂપની બહુમતી માલિકીની વિસ્તારા એરલાઈન્સ અને ઈન્ડિગો એરલાઈન્સ પણ ઢાકા માટે તેમની નિર્ધારિત ફ્લાઈટ્સનું સંચાલન કરશે. તમને જણાવી દઈએ કે વિસ્તારા મુંબઈથી દૈનિક ફ્લાઈટ્સ અને દિલ્હીથી ઢાકાની 3 સાપ્તાહિક ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. સામાન્ય રીતે, ઈન્ડિગો દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈથી ઢાકા સુધીની એક દૈનિક ફ્લાઇટ અને કોલકાતાથી બાંગ્લાદેશની રાજધાની માટે દરરોજ બે ફ્લાઇટ ચલાવે છે. અગાઉ વિસ્તારા અને ઈન્ડિગો બંનેએ બાંગ્લાદેશની રાજધાની માટે તેમની મંગળવારની ફ્લાઈટ રદ કરી હતી.
Also Read –