નેશનલ

અમારૂ લક્ષ્ય બંધારણ બચાવવાનું છે, ભાજપ તેને હટાવવા માંગે છે: રાહુલ ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે દિલ્હીના ચાંદની ચોકમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય આ ચૂંટણીમાં બંધારણને બચાવવાનો છે. તેઓ બંધારણ બચાવવા માટે લડી રહ્યા છે. આ દરમિયાન, કોંગ્રેસના નેતાએ AAP અને કોંગ્રેસના કાર્યકરોને ચૂંટણીમાં ગઠબંધન અનુસાર મતદાન કરવાની અપીલ કરી હતી.

દિલ્હીમાં અશોક વિહારના રામલીલા મેદાનમાં કોંગ્રેસની રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમારો ઉદ્દેશ્ય આ બંધારણની સુરક્ષા કરવાનો છે, કારણ કે આ જ તમારું ભવિષ્ય છે. જો બંધારણ નાબૂદ થશે તો દેશના ગરીબો, મજૂરો અને દલિતો તેમના અધિકારોથી વંચિત થઈ જશે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે ભાજપના ઘણા નેતાઓએ ખુલ્લેઆમ કહ્યું છે કે જો તેમને તક મળશે તો તેઓ બંધારણને ફાડીને ફેંકી દેશે.

રાહુલ ગાંધીએ ઈન્ડિયા એલાયન્સના ઉમેદવારો માટે વોટ માંગ્યા હતા. આ દરમિયાન તેમણે કેન્દ્રની મોદી સરકાર પર આકરા વાકપ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ 22થી 25 મોટા લોકો માટે કામ કર્યુ. ચાંદની ચોકમાં મધ્યમ અને નાના વેપારીઓ કામ કરે છે. મોદીએ જણાવવું જોઈએ કે તેમણે 10 વર્ષમાં અહીં શું કામ કર્યું છે. ડિમોનેટાઇઝેશન થયું, રોકડનો પ્રવાહ ઓછો થયો. જીએસટીનો અમલ યોગ્ય રીતે થયો નથી. નાના વેપારીઓનો એક પણ રૂપિયો માફ કરાયો નથી, મજૂરોનો એક રૂપિયો પણ માફ કરાયો નથી. મોટા અબજોપતિઓના પૈસા માફ કર્યા.

રાહુલ ગાંધીએ આશા વ્યક્ત કરી હતી કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકો જીતશે. તેમણે કહ્યું, “કોંગ્રેસના કાર્યકરોએ ત્રણ બેઠકો પર તેમની પાર્ટીને મત આપવાનો છે અને ચાર બેઠકો પર આમ આદમી પાર્ટીને સમર્થન આપવાનું છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ત્રણ બેઠકો પર કોંગ્રેસ (ચૂંટણીનું પ્રતીક) બટન દબાવવાનું છે અને 4 સીટો પર તમારે તમારા પક્ષનું બટન દબાવવાનું છે”.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button