
અમદાવાદ/નવી દિલ્હીઃ રાજ્યમાં શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે. દેશભરમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે અનેક રાજ્યો માટે હિમવર્ષા, ધુમ્મસનું એલર્ટ પણ જાહેર કર્યું છે. દેશના ત્રણ રાજ્યમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો. નલિયામાં સૌથી ઓછું તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું હતું. કંડલામાં 11 ડિગ્રી, વડોદરામાં 12.2 ડિગ્રી, અમદાવાદમાં 14.7, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી, ડીસામાં 12.4 ડિગ્રી, અમરેલીમાં 12.6 ડિગ્રી, ભુજમાં 13.8 ડિગ્રી, પોરબંદરમાં 13.9 ડિગ્રી, રાજકોટમાં 14 ડિગ્રી, મહુવામાં 14.9 ડિગ્રી, ભાવનગરમાં 15 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15.2 ડિગ્રી, કેશોદમાં 16.1 ડિગ્રી, દમણમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડીનો ચમકારો યથાવત છે. હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં આ બંને શહેરોમાં લઘુતમ તાપમાન 15 થી 16 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.
કયા રાજ્યમાં થશે બરફવર્ષા
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પર્વતીય રાજ્યોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. કાશ્મીર ખીણમાં ઠંડીની તીવ્રતા વધી છે. શ્રીનગરમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચ્યું છે, જ્યારે ઝોજીલા પાસ જેવા વિસ્તારોમાં ભારે હિમશીતળ ઠંડી અનુભવાઈ રહી છે. આવનારા દિવસોમાં ઊંચા વિસ્તારોમાં હળવી બરફવર્ષાની સંભાવના છે.
રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસથી નીચે પહોંચી ગયું છે. કેટલાક શહેરોમાં રાત્રી દરમિયાન કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. પૂર્વીય રાજસ્થાનમાં ઠંડીની અસર વધુ જોવા મળી રહી છે, જ્યારે પશ્ચિમ ભાગોમાં પણ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
આ રાજ્યોમાં ધુમ્મસનું એલર્ટ
ઉત્તર પ્રદેશ અને હિમાચલના નીચાણવાળા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. ઘણા શહેરોમાં વિઝિબિલિટી ખૂબ ઓછી થઈ ગઈ છે, જેના કારણે વાહનવ્યવહાર અને ટ્રેન સેવા પર અસર પડી છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ માટે રેડ અને યેલો એલર્ટ જાહેર કર્યા છે. ઉત્તરાખંડમાં આજે નૈનિતાલ, રુદ્રપ્રયાગ અને ચમોલીમાં સવારથી 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી શકે છે.
આ ત્રણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી
તમિલનાડુ, પુડુચેરી અને કેરળના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયા કિનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. જનતાને પણ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આ વરસાદને કારણે આસપાસના રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થશે.
આ પણ વાંચો…સૂસવાટાભેર પવનથી ગુજરાતમાં વધશે ઠંડીનો ચમકારો: ગાઢ ધુમ્મસના કારણે 14 રાજ્યમાં એલર્ટ



