સ્વચ્છ સર્વેક્ષણમાં અમદાવાદ પ્રથમ ક્રમે! છતાં દેશનું સૌથી સ્વચ્છ શહેર નહીં, જાણો શું છે હકીકત

નવી દિલ્હી: દેશના શહેરોના સ્થાનિક વહીવટીતંત્રોને વધુ સ્વચ્છતા જાળવવા માટે પ્રોત્સાહિત કરવા કેન્દ્ર સરકારનું આવાસ અને શહેરી બાબતો મત્રાલય સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દર વર્ષે સ્વચ્છ સર્વેક્ષણ હાથ ધરે છે.
સ્વચ્છ સર્વેક્ષણ 2024ના પરિણામો 17 જુલાઈના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહ દરમિયાન જાહેર કરવામાં આવશે. પરંતુ એ પહેલા એવી ચર્ચા છે કે અમદાવાદને સ્વચ્છ સર્વેક્ષણ 2024માં પ્રથમ ક્રમ આપવામાં (Ahmedabad tops Swachchh Sarvekshan List) આવ્યો છે.
આવાસ અને શહેરી બાબતો મત્રાલય દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પણ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદે સ્વચ્છ સર્વેક્ષણ 2024માં ટોચનું સ્થાન મેળવ્યું છે. વર્ષ 2023ના સર્વેક્ષણમાં અમદાવાદને 15મું સ્થાન મળ્યું હતું.
એહેવાલ મુજબ મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલે સ્વચ્છ સર્વેક્ષણ 2024માં બીજું સ્થાન મેળવ્યું છે. જ્યારે ઉત્તરપ્રદેશનું લખનઉ 44મા સ્થાનેથી છલાંગ લગાવી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
આપણ વાંચો: સાબરમતીને બક્ષોઃ ‘સ્વચ્છતા અભિયાન’ વખતે નદીમાંથી મળી આ બધી વસ્તુઓ..
સર્વેક્ષણમાં પહેલું સ્થાન છતાં સૌથી સ્વચ્છ શહેર નહીં:
સ્વચ્છ સર્વેક્ષણ 2024માં અમદાવાદને પ્રથમ ક્રમ આપવામાં આવે તો પણ તે દેશનું સૌથી સ્વચ્છ શહેર નહીં હોય, કેમ કે આ સર્વેમાં ઇન્દોર અને સુરત જેવા છેલ્લા ઘણાં સમયથી ટોચ પર રહેતા સ્વચ્છ શહેરો સ્પર્ધામાં ન હતાં.
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે ‘સુપર ક્લીનનેસ લીગ’ નામની એક અલગ કેટેગરી બનાવી છે. જેમાં પાછલા વર્ષોમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહેલા 12 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ લીગમાં વધુ 3 શહેરો ઉમેરવામાં આવ્યા હતા, જેનાથી કુલ શહેરોની સંખ્યા 15 થઈ ગઈ છે.
‘સુપર ક્લીનનેસ લીગ’માં ઇન્દોર, સુરત, નવી મુંબઈ જેવા ટોપ ક્લીન અન્યનો સમાવેશ થાય છે, તેનું મૂલ્યાંકન અલગથી કરવામાં આવશે, જેથી આ શહેરોમાં વધુ સારી સ્વચ્છતા માટે સ્પર્ધા થઇ શકે.