
નવી દિલ્હી: અમદાવાદમાં બનેલી એર ઈન્ડિયા દુર્ઘટનાને લઈ પ્રાથમિક રિપોર્ટ 12 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ બાદ અનેક અટકોળ લગાવવામાં આવી રહી હતી. જ્યારે તપાસ એજન્સીની નિપક્ષતા અને પાઈલોટે આ ભયાવહ દુર્ઘટના કરી હોવાની દાવા પણ કરવામાં આવ્યા હતા. જેના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ સ્પષ્ટતા કરી છે કે આ દુર્ઘટનાની તપાસ સંપૂર્ણ રીતે ભારતમાં જ થઈ રહી છે. આ તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ નિષ્પક્ષ રીતે હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ હવાઈ સલામતી અને નિયમનકારી સંસ્થાઓની કામગીરી પર ચર્ચા ઉભી કરી છે, જેમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ની ભૂમિકા પણ સામેલ છે.
મંત્રી નાયડુએ રાજ્યસભામાં જણાવ્યું કે અગાઉ બ્લેક બોક્સમાં નાની ખામી હોય તો પણ તેને ડિકોડ કરવા વિદેશ મોકલવું પડતું હતું. પરંતુ આ વખતે ભારતે પ્રથમ વખત બ્લેક બોક્સને દેશમાં જ ડિકોડ કરવાનો નિર્ણય લીધો. AAIBએ આ કાર્યમાં સફળતા મેળવી છે અને બ્લેક બોક્સમાંથી સંપૂર્ણ ડેટા મેળવી લીધો છે, જે શરૂઆતમાં ખરાબ થયેલો હોવાનું માનવામાં આવતું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ તપાસ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલને અનુસરીને નિષ્પક્ષ રીતે થઈ રહી છે, અને પાયલટની ભૂમિકા અંગેના મીડિયા અહેવાલો ખોટા છે.
રામમોહન નાયડુએ સ્પષ્ટ કર્યું કે વિમાન દુર્ઘટનાની તપાસ ત્રણ તબક્કામાં થાય છે. જેમાં શું થયું, કેવી રીતે થયું અને શા માટે થયું?ના પ્રશ્નોના જવાબ શોધવામાં આવી રહ્યા છે. AAIBની પ્રાથમિક રિપોર્ટમાં ‘શું થયું’નો જવાબ આપવામાં આવ્યો છે. જોકે, દુર્ઘટનાનું કારણ જાણવા માટે અંતિમ રિપોર્ટની રાહ જોવી પડશે. તેમણે જણાવ્યું કે આ તપાસ પારદર્શક અને નિષ્પક્ષ રીતે થઈ રહી છે. ભારતીય અને વિદેશી મીડિયા દ્વારા ઉભી કરવામાં આવેલી અટકળોને ફગાવતા તેમણે કહ્યું કે સરકાર સત્યની સાથે ઊભી છે.
રાજ્યસભામાં ચર્ચા દરમિયાન હવાઈ સલામતી અને DGCAની કામગીરી અંગે પણ સવાલો ઉઠ્યા. ભાજપના સાંસદ અશોક ચવ્હાણે DGCAમાં 50 ટકા જગ્યાઓ ખાલી હોવાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે જણાવ્યું કે દેશમાં દરરોજ 5 લાખથી વધુ લોકો હવાઈ મુસાફરી કરે છે, તેથી આ ખાલી જગ્યાઓ ઝડપથી ભરવી જરૂરી છે. મંત્રી નાયડુએ આ અંગે જણાવ્યું કે DGCAમાં મોટાભાગની નવી જગ્યાઓ છેલ્લા બે વર્ષમાં બનાવવામાં આવી છે અને 90 ટકા ખાલી જગ્યાઓ ટૂંક સમયમાં ભરાઈ જશે.
ભારતમાં સિવિલ એવિએશન નેટવર્ક ઝડપથી વિસ્તરી રહ્યું છે. દરરોજ લગભગ 3500 વિમાનો દેશ-વિદેશની ઉડાનો ભરે છે, અને 5 લાખથી વધુ મુસાફરો હવાઈ યાત્રા કરે છે. આવી સ્થિતિમાં હવાઈ સલામતીને 100 ટકા સુનિશ્ચિત કરવા માટે DGCAમાં ખાલી જગ્યાઓ ભરવી અને નિયમનકારી વ્યવસ્થાને મજબૂત કરવી અત્યંત જરૂરી છે. સરકાર આ દિશામાં ઝડપથી પગલાં લઈ રહી છે, જેથી હવાઈ મુસાફરી વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બની શકે.
આ પણ વાંચો…અમદાવાદ પ્લેન ક્રેશ: ટેઈલમાં રહેલું બ્લેકબોક્સ રહસ્ય ખોલશે! તપાસકર્તાઓને શું જાણવા મળ્યું?