પ્લેન ક્રેશ રિપોર્ટ મુદ્દે 'ઉતાવળા' થશો નહીંઃ વૈશ્વિક મીડિયાની AAIB એ કાઢી ઝાટકણી...
ટોપ ન્યૂઝનેશનલ

પ્લેન ક્રેશ રિપોર્ટ મુદ્દે ‘ઉતાવળા’ થશો નહીંઃ વૈશ્વિક મીડિયાની AAIB એ કાઢી ઝાટકણી…

પ્રાથમિક રિપોર્ટમાં કોઈ પુષ્ટિ થઈ નથી, વૈશ્વિક મીડિયા સામે સખત કાર્યવાહી કરવાની માગણી

નવી દિલ્હી: બારમી જૂનના અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ 12 જુલાઈના રોજ આવ્યો હતો. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) આ રિપોર્ટમાં જણાવાયું હતું કે, એન્જિનની ફ્યુઅલ સ્વીચ બંધ થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ રિપોર્ટને લઈને વોલ સ્ટ્રીટ જર્નલે ચોંકાવનારો દાવો કર્યો છે. જેનાથી AAIB અને પાઇલટ સંગઠને જોરદાર નારાજગી વ્યક્ત કરી છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરોએ કહ્યું છે કે અકસ્માત સંબંધમાં હજુ પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે, પરંતુ એમાં કોઈ ઉતાવળિયા તારણ પર આવશો નહીં, જ્યારે વૈશ્વિક મીડિયાને સંયમ જાળવવાનો પણ અનુરોધ કર્યો છે.

વોલસ્ટ્રીટ જર્નલે કયો દાવો કર્યો?
AAIBએ પોતાના રિપોર્ટમાં કોકપીટ વોઇસ રેકોર્ડરમાં એન્જિન બંધ થવા અંગે પાઇલટ અને કો-પાઇલટ વચ્ચે થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. પાઇલટ સુમિત સભરવાલે તેમના કો-પાઇલટ ક્લાઇવ કુંદરને પૂછ્યું હતું કે તમે એન્જિનનું ઇંધણ કેમ બંધ કર્યું? આના જવાબમાં કો-પાઇલટ ક્લાઇવ કુંદરે કહ્યું, ‘મેં કંઈ નથી કર્યું.’ બંને પાઇલટે પોતે એન્જિન બંધ ન હતું કર્યું, તો એન્જિન બંધ કેવી રીતે થયું? એ તપાસનો વિષય છે. પરંતુ વોલસ્ટ્રીટ જર્નલે દાવો કર્યો છે કે, પાઇલટ સુમિત સભરવાલે એઆઈ 717નું એન્જિન બંધ કર્યું હતું.

મીડિયા કવરેજ મુદ્દે નારાજગી
વોલ સ્ટ્રીટ જર્નલના દાવાથી AAIB અને ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સે નારાજગી વ્યક્ત કરી છે. AAIBએ અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને વિદેશી મીડિયાના બેદરકારીભર્યા કવરેજ પર રોષ વ્યક્ત કર્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ AAIBએ જણાવ્યું કે, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ઘણા આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠનોએ બેદરકારીપૂર્વક કવરેજ કર્યું છે. તેઓ પ્રારંભિક તથ્યોના આધારે તારણો કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓને સંયમ રાખવાની જરૂર છે, કારણ કે, તેમના તારણોથી કેસની તપાસ પર અસર પડી શકે છે.

તપાસ હજી પૂરી નથી થઈ
AAIBએ વધુમાં જણાવ્યું કે તાજેતરમાં રજૂ કરાયેલા તપાસ અને પ્રારંભિક અહેવાલનો હેતુ અકસ્માત સમયે શું થયું હતું તેની માહિતી પૂરી પાડવાનો છે. તપાસ હજી પૂરી નથી થઈ, તેથી કોઈ પણ વાત પર પહોંચી જવાનું નથી. વોલ સ્ટ્રીટ જર્નલના દાવાઓને પાયાવિહોણા ગણાવતા FIP પ્રમુખ કેપ્ટન રંધાવાએ મીડિયા સંગઠન સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, 12 જૂન અમદાવાદના મેઘાણી નગર ખાતેની બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button