45 મિનિટ એર સ્પેસ બંધ રહી હોવા છતાં અમદાવાદ એરપોર્ટે રચી દીધો આ અનોખો ઈતિહાસ…

અમદાવાદઃ રવિવારે અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વનડે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચ જોવા માટે લોકો દેશ-વિદેશથી ખાસ અમદાવાદ પહોંચ્યા હતા અને આ દરમિયાન જ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે એક અનોખો વિક્રમ પોતાનો નામે કર્યો છે. અમદાવાદ એરપોર્ટ પર વર્લ્ડકપની ફાઈનલ મેચના દિવસે સૌથી વધુ લોકોએ મુસાફરી કરી હોવાનો રેકોર્ડ નોંધાયો છે.
મળી રહેલી માહિતી અનુસાર અમદાવાદના આ સરદાર વલ્લભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક જ દિવસમાં 40,801 પ્રવાસી જોવા મળ્યા હતા. 23 કલાકમાં જ 40,801 પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો અને આટલા જ સમયમાં શેડ્યુલ અને નોન શેડ્યુલ ફ્લાઈટનું સંચાલન કરવામાં આવ્યું છે.
એરપોર્ટ ટ્રાફિક મૂવમેન્ટ્સ દ્વારા આ બાબતની માહિતી આપવામાં આવી હતી અને આ માહિતીમાં એવું જણાવવામાં આવ્યું હતું કે 19મી નવેમ્બરના 260થી વધુ શેડ્યુલ અને 99 નોન શેડ્યુલ ફ્લાઈટ એર ટ્રાફિક મૂવમેન્ટ્સનો વિક્રમ નોંધાયો છે. આ 40,801 પ્રવાસીઓમાં 33,642 ડોમેસ્ટિક અને 7159 ઈન્ટરનેશનલ પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ રેકોર્ડ વાયુસેનાના એર શોને કારણે 45 મિનિટથી વધુ સમય એર સ્પેસ બંધ રહેવા છતાં પણ થયો હતો. આ અગાઉ 18મી નવેમ્બરના એરપોર્ટ પર બીજી વખત સૌથી વધુ પ્રવાસીઓ જોવા મળ્યા હતા. એ દિવસે એરપોર્ટ પર 273 ફ્લાઈટ્સ મૂવમેન્ટમાં 38,723 પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો.