તેલંગણાની ચૂંટણી પહેલા ભાજપે વિધાનસભ્ય ટી રાજા સિંહનું સસ્પેન્શન પાછું ખેંચ્યું
તેલંગાણાની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP)એ વિધાનસભ્ય ટી રાજા સિંહનું સસ્પેન્શન પાછું ખેંચ્યું છે. પાર્ટીના આ નિર્ણય બાદ ટી રાજા સિંહ આગામી ચૂંટણીમાં પાર્ટી માટે પ્રચાર કરી શકશે. ભાજપે ટી રાજા સિંહનું સસ્પેન્શન પાછું ખેંચવા અંગે નિવેદન પણ બહાર પાડ્યું છે. આ નિવેદનમાં ભાજપે કહ્યું છે કે અમે અગાઉ ટી રાજા સિંહ પાસેથી તેમના એક નિવેદન અંગે સ્પષ્ટતા માંગી હતી. તેમના તરફથી સ્પષ્ટતાને ધ્યાનમાં લઈને અમે તેમનું સસ્પેન્શન રદ કરવાનો નિર્ણય લીધો છે.
તેલંગાણાના બીજેપી વિધાન સભ્ય ટી.રાજા સિંહની થોડા મહિના પહેલા પયગંબર મુહમ્મદ વિશે કથિત અપમાનજનક ટિપ્પણીઓ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, કોર્ટે પોલીસની રિમાન્ડની અરજી ફગાવી દીધા બાદ છોડી દેવામાં આવ્યા હતા. જો કે વિવિદને કારણે ભાજપે રાજા સિંહને સસ્પેન્ડ કરી દીધા હતા.
રાજા સિંહની કથિત રીતે મોહમ્મદ પયગંબર પર અપમાનજનક ટિપ્પણીનો એક વીડિયો વાયરલ થયા બાદ હૈદરાબાદના કેટલાક વિસ્તારોમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. આ પછી કેસ નોંધવામાં આવ્યો અને આ કાર્યવાહી કરવામાં આવી. હૈદરાબાદ પોલીસે કહ્યું હતું કે રાજા વિરુદ્ધ ધાર્મિક આસ્થાના અપમાન સંબંધિત કાયદાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે હૈદરાબાદના ગોશામહાલના વિધાનસભ્ય ટી રાજા સિંહ પણ ગયા અઠવાડિયે કોમેડી શોમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરવા બદલ ચર્ચામાં આવ્યા હતા. સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનાવર ફારુકીના શોને રદ કરવા માટે તેણે લગભગ 50 સમર્થકો સાથે સ્થળ પર પહોંચવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.