નેશનલ

આગ્રામાં ટ્રકે બાઇક સવારોને ટક્કર મારી, બે યુવાનોને 300 મીટર સુધી ઘસડી ગઇ, જુઓ કંપારી છૂટે તેવો વીડિયો

આગ્રાઃ આગ્રાનો એક ચોંકાવનારો વીડિયો સોમવારે વાયરલ થયો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે બાઇક સવાર યુવકો ટ્રકના આગળના બમ્પરમાં ફસાયેલા છે. પોતાનો જીવ બચાવવા બંને એક હાથે ટ્રકનું બમ્પર પકડીને બીજા હાથે ઈશારા કરી મદદ માટે વિનંતી કરી રહ્યા છે અને બૂમો પણ પાડી રહ્યા છે. બંને યુવાનો પોતાને મોતની આટલી નજીક જોઈને ચીસો પાડતા રહ્યા હતા, પરંતુ ડ્રાઈવર પર કોઈ અસર થઈ ન હતી. ટ્રક ચાલક તેમને ઘસડીને લઇ જઇ રહ્યો હતો. કેટલાક રાહદારીઓ પણ તેમની ટ્રકની પાછળ આવ્યા અને ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડ્રાઈવર રોકાયો નહોતો. એક કિલોમીટર દૂર ભીડને કારણે જ્યારે ટ્રકને રોકવી પડી ત્યારે બંનેના જીવ બચી ગયા હતા. ટ્રક રોકાતા જ ભીડે ડ્રાઈવરને પકડી લીધો અને તેને ખૂબ માર માર્યો. આટલું દૂર ઘસડાઇ જતાં ઘાયલ થયેલા બંને યુવકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, તેમની હાલત ખતરાની બહાર છે.

આ ઘટના રાત્રે 11.30 વાગ્યાની આસપાસ બની હતી. પ્રકાશ નગર નુનિહાઈના રહેવાસી રબ્બી અને ઝાકીર પાવર પ્લાન્ટમાંથી બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. તેમણે રામબાગ ઈન્ટરસેક્શન પર યુ ટર્ન લીધો હતો. રામબાગ ઈન્ટરસેક્શન પર જ ફિરોઝાબાદ તરફથી આવી રહેલી એક ટ્રકે તેમની બાઇકને ટક્કર મારી હતી. બંને યુવકો બાઇક સાથે ટ્રકની આગળ અથડાયા હતા. ટ્રકના પૈડા નીચે ન આવી જવાય તે માટે તેમણે બમ્પર પકડી લીધું હતું.

ડ્રાઇવરે બંને મરી ગયા હોવાનું માનીને ટ્રક રોકી ન હતી અને તે સ્પીડમાં ટ્રક ચલાવતો રહ્યો હતો. બંને યુવકો ટ્રકની નીચે ફસાયા હતા. બંને મદદ માટે ચીસો પાડતા રહ્યા. તેની ચીસો ડ્રાઈવર સુધી પહોંચી ન હતી અને ડ્રાઈવર તેને લગભગ એક કિલોમીટર સુધી હાઈવે પર ઘસડી ગયો હતો. દરમિયાન કેટલાક રાહદારીઓએ ટ્રકને અને તેમાં ફસાયેલા બે યુવાનને જોઇ ડ્રાઇવરને તેને રોકવા પણ કહ્યું. એક રાહદારીએ વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું.

41 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકોને કંપારી છૂટી ગઇ હતી. વીડિયોમાં બાઇક સવારો ચીસો પાડી રહ્યા છે અને ટ્રકચાલકને ટ્રક રોકવાનું કહી રહ્યા છે. એક બાઇકચાલક પણ ટ્રક રોકવા માટે બૂમો પાડે છે. આ પછી પણ ડ્રાઈવરે ટ્રક ચલાવવાનું ચાલુ રાખ્યું હતું.

Also read: આગ્રા લખનૌ એક્સપ્રેસ- વે પર Accident,લગ્નમાંથી પરત ફરી રહેલા પાંચ ડૉક્ટરના મોત

એસએન મેડિકલ કોલેજ હૉસ્પિટલમાં દાખલ થયેલા ઝાકિરે જણાવ્યું હતું કે વોટર વર્કસ ઈન્ટરસેક્શન પાસે ઘણા વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા. ટ્રક પસાર થઈ શકી ન હતી, જેને કારણે ડ્રાઈવરે ટ્રક રોકી દીધી. ભીડ એકઠી થઈ ગઈ હતી. ડ્રાઈવર ઝડપાઈ ગયો હતો. લોકોએ તેમને વ્હીલની બહાર કાઢ્યા. ઓટોમાં હૉસ્પિટલ લઇ ગયા હતા. એ પછી તે બેહોશ થઇ ગયો હતો. એસીપી હેમંત કુમારે જણાવ્યું કે બંને યુવકોની હાલત ખતરાની બહાર છે. એક યુવકના પગમાં ગંભીર ઈજા થઈ છે. ડૉક્ટર કહે છે કે પગ કાપવો પડી શકે છે. પોલીસે ટ્રક ચાલકને ઝડપી લીધો છે. પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે પોતાનું નામ દીપક હોવાનું જણાવ્યું હતું. આરોપી ડ્રાઈવર ફિરોઝાબાદના નાગલા બીચનો રહેવાસી છે.

આ ઘટનાનો વીડિયો જોયા પછી દરેક લોકો ‘જા કો રખે સૈયાં માર સકે ના કોઈ’ કહી રહ્યા છે. રબ્બી અને ઝાકીરની હાલત ખતરાની બહાર છે. વીડિયો જોયા બાદ લોકો કહી રહ્યા છે કે ભગવાને બંનેને નવું જીવન આપ્યું છે. ખુદ રબ્બી અને ઝાકિર પણ વિશ્વાસ કરી શકતા નથી કે તેઓ કેવી રીતે બચી ગયા અને તે સમયે તેમનામાં આટલી હિંમત ક્યાંથી આવી

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button