ટોપ ન્યૂઝનેશનલ

આગ્રામા પેરાશુટ ન ખૂલતા વાયુસેના અધિકારીનું નિધન, ડેમો ડ્રોપ દરમિયાન ઘટી દુર્ઘટના…

આગ્રા : ઉત્તર પ્રદેશના આગ્રામા એક દુર્ઘટના દરમિયાન ભારતીય વાયુસેનાના સ્કાય ડાઇવિંગ ટીમના પેરા જમ્પ ઇન્સ્ટ્રક્ટરનું નિધન થયું છે. જેમાં મળતી માહિતી મુજબ ભારતીય વાયુસેનાના આકાશ સ્કાય ડાઇવિંગ ટીમના પેરા જમ્પ ઇન્સ્ટ્રક્ટર ડેમો ડ્રોપનું નિદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન હેલીકોપ્ટરમાંથી કૂદતી વખતે પેરાશુટ યોગ્ય રીતે ખૂલી શક્યું ન હતું. જેના લીધે તેવો સીધા જમીન પર પટકાયા હતા. તેમને અનેક ઇજાઓ થઈ હતી જેના લીધે તેમનું મૃત્યુ થયું હતું.

પેરાશૂટ સમયસર ખૂલ્યું નહોતું

આ દુર્ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, વોરંટ ઓફિસર રામકુમાર તિવારી સવારે લગભગ 9.30 વાગ્યે હેલિકોપ્ટરમાંથી ડેમો ડ્રોપનું નિદર્શન કરી રહ્યા હતા. પરંતુ ટેકનિકલ ખામીને કારણે તેમનું પેરાશૂટ સમયસર ખૂલ્યું નહોતું જેના કારણે તેઓ સીધા જમીન પર પછડાયા હતા. તેમને ગંભીર ઇજાઓ પણ થઇ હતી. તેની બાદ તેમને સારવાર માટે આર્મી હોસ્પિટલમા લઈ જવામાં આવ્યા હતા.

જ્યારે સહાયક પોલીસ કમિશનર વિનાયક ભોંસલેએ જણાવ્યું હતું કે, ‘મૃત્યુ અંગેની માહિતી લશ્કરી હોસ્પિટલ તરફથી બપોરે લગભગ 12 વાગ્યે મળી હતી. સદર પોલીસ સ્ટેશને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

આ દુઃખની ઘડીમાં વાયુસેના પરિવાર સાથે

X પરની એક પોસ્ટમાં, IAF એ કહ્યું, “આજે આગ્રામાં ડેમો ડ્રોપ દરમિયાન થયેલી ઇજાઓને કારણે IAF ની આકાશ ગંગા સ્કાય ડાઇવિંગ ટીમના પેરા જમ્પ ઇન્સ્ટ્રક્ટરનું અવસાન થયું. વાયુસેના આ ક્ષતિ બદલ શોક વ્યક્ત કરે છે અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે અને આ દુઃખની ઘડીમાં વાયુસેના તેમની સાથે મજબૂતીથી ઉભી છે.

સપા વડા અખિલેશ યાદવે દુઃખ વ્યક્ત કર્યું

આ દરમિયાન, સપાના વડા અખિલેશ યાદવે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું, “પહેલા ગુજરાતના જામનગરમાં ફાઇટર જેટ ક્રેશ થવાથી ફ્લાઇટ લેફ્ટનન્ટનું મૃત્યુ અને હવે આગ્રામાં પેરાશૂટ ન ખુલવાથી વાયુસેનાના અધિકારીના મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે.”

તેમણે વધુમાં કહ્યું, “સુરક્ષા સાથે સમાધાન જીવલેણ સાબિત થાય છે. આવા કિસ્સાઓમાં, દરેક સ્તરે ગુણવત્તાની સંપૂર્ણ અને ગંભીર તપાસ થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોનું પુનરાવર્તન ન થાય. શ્રદ્ધાંજલિ!”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button