સોશિયલ મીડિયાના ઉપયોગ માટે વય મર્યાદા નક્કી કરવી જોઈએ: કર્ણાટક હાઈકોર્ટ
કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે એક સુનાવણી દરમિયાન કહ્યું હતું કે દારૂ પીવા માટેની નિર્ધારિત કાયદેસરની વયની જેમજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટેની વય મર્યાદા હોય તો તે યોગ્ય રહેશે. જસ્ટિસ જી. નરેન્દ્ર અને જસ્ટિસ વિજયકુમાર એ. પાટીલની ડિવિઝન બેન્ચે 30 જૂનના સિંગલ જજના આદેશને પડકારતી એક્સની અપીલની સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. સિંગલ જજે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના વિવિધ આદેશો વિરુદ્ધ એક્સની અરજીને ફગાવી દીધી હતી.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે 2 ફેબ્રુઆરી, 2021 અને 28 ફેબ્રુઆરી, 2022 ની વચ્ચે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 69A હેઠળ 10 સરકારી આદેશો જાહેર કર્યા હતા, જેમાં 1,474 એકાઉન્ટ્સ, 175 ટ્વીટ્સ, 256 URL અને એક હેશટેગને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો હતો. ટ્વિટરે આમાંથી 39 URL ને લગતા આદેશોને પડકાર્યા હતા.
જસ્ટિસ જી નરેન્દ્રએ કહ્યું, ‘સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવો. ઘણી સારી વસ્તુઓ થશે. આજના શાળાએ જતા બાળકો તેના વ્યસની બની ગયા છે. મને લાગે છે કે આબકારી નિયમોની જેમ, આ માટે પણ પણ વય મર્યાદા હોવી જોઈએ.’
કોર્ટે આગળ કહ્યું કે, “બાળકો 17 કે 18 વર્ષના હોઈ શકે છે, પરંતુ શું તેમનામાં એ નક્કી કરવાની પરિપક્વતા છે કે દેશના હિતમાં શું છે અને શું નથી? આવી વસ્તુઓ જે મગજને ઝેર આપે છે તેને માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં પરંતુ ઇન્ટરનેટ પરથી પણ દૂર કરવી જોઈએ. સરકારે સોશિયલ મીડિયાના ઉપયોગ માટે વય મર્યાદા નક્કી કરવાનું પણ વિચારવું જોઈએ.”
કોર્ટે ‘એક્સ કોર્પ’(પૂર્વ ટ્વીટર) પર 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.