નેશનલ

મણિપુરમાં ફરી ફાયરિંગ અને બોમ્બ વિસ્ફોટ, આટલા નાગરિકો ગુમ….

ઈમ્ફાલ: મણિપુરમાં બુધવારે ફરી એકવાર ફાયરિંગની ઘટના બની હતી જેમાં ચાર લોકો ગુમ થયાના અહેવાલ છે, પોલીસ તેમને શોધવામાં વ્યસ્ત છે. મળતી માહિતી મુજબ કુમ્બી વિધાનસભા મતવિસ્તારના ચાર લોકો જેઓ બિષ્ણુપુર અને ચુરાચંદપુર જિલ્લાને અડીને આવેલી પહાડીમાં લાકડાં લેવા ગયા હતા.

કુમ્બી વિધાનસભા મતવિસ્તારના ચાર માણસો બુધવારે એટલે કે 10 જાન્યુઆરીના રોજ ગુમ થઈ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે હજુ સુધી એ ચાર વ્યક્તિઓ વિશે કોઈ માહિતી મળી નથી. એ ચારેય વ્યક્તિઓના નામ દારા સિંહ, ઈબોમચા સિંહ, રોમૈન સિંહ અને આનંદ સિંહ છે.

જો કે આતંકવાદીઓ દ્વારા તેને બંધક બનાવી લેવામાં આવે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી ત્યારે આ ઘટના બાદ કેન્દ્રીય દળો પાસેથી મદદ પણ માંગવામાં આવી છે.

આ ઘટના બાદ આતંકવાદીઓએ બિષ્ણુપુર જિલ્લાના હાઓતક ગામમાં ગોળીબાર અને બોમ્બ હુમલા કર્યા, જેના કારણે 100 થી વધુ મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને ગામ છોડીને સુરક્ષિત વિસ્તારોમાં ભાગી જવાની ફરજ પડી, અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોળીબાર અને બોમ્બ હુમલાની માહિતી મળતાં જ સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયા અને જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. જો કે હજુ સુધી કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 3 મે 2023ના રોજ મણિપુરમાં જાતિય હિંસા ફાટી નીકળી હતી, ત્યારબાદ અત્યાર સુધીમાં 180 થી વધુ લોકોના મોત થયા છે. કેટલાય લોકો ઘાયલ પણ થયા છે. હિંસાને કારણે ખાનગી અને જાહેર સંપત્તિને પણ ઘણું નુકસાન થયું છે. હિંસા ત્યારે શરૂ થઈ જ્યારે મેઇતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતિ દરજ્જાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button