જીએસટીમાં રાહત બાદ સરકાર નિકાસ પ્રોત્સાહન પેકેજ લાવવાની તૈયારીમાં

મુંબઇ: જીએસટીમાં સામાન્ય લોકોને રાહત આપ્યા બાદ હવે મોદી સરકાર આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલા મુદ્દા પર મોટું પગલું લેવાની તૈયારીમાં છે. સરકારી સૂત્રો અનુસાર, કેન્દ્ર સરકાર ટૂંકસમયમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી પ્રભાવિત નિકાસકારો માટે ખાસ રાહત પેકેજની જાહેરાત કરશે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50 ટકા સુધીના ટેરિફે ભારતીય ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરીના નિકાસકારો સામે ગંભીર પડકારો ઊભા કર્યા છે.
આ સિવાય ચામડું, ફૂટવેર, કેમિકલ, એન્જિનિયરિગ પ્રોડક્ટ્સ, કૃષિ અને દરિયાઈ નિકાસ સંબંધિત ઉદ્યોગો પર પણ અસર થઈ છે. આ ઉદ્યોગ સાથે જોડાયેલા નિકાસકારોએ થઈ રહેલા નુકસાનની ભરપાઈ માટે કેન્દ્ર સરકાર સમક્ષ માગ કરી હતી. જેને ધ્યાનમાં લેતાં રાહત પેકેજ આપવા વિચારણા થઈ રહી છે.
સરકારી સાધનેો અનુસાર, પ્રસ્તાવિત યોજનામાં નાના અને મધ્યમ નિકાસકારોની લિક્વિડિટીની સમસ્યા દૂર કરવા, કાર્યકારી મૂડી બોજો ઘટાડવા, તેમજ સૌથી મહત્ત્વનું નોકરીઓ સુરક્ષિત રાખવા સામેલ થશે. જ્યાં સુધી નિકાસકારો માટે નવા બજારની શોધ ન થાય ત્યાં સુધી ઉત્પાદન ચાલુ રાખવામાં કોઈ અડચણ ન નડે તે હેતુ સાથે આ રાહત પેકેજ જાહેર કરવામાં આવશે.
સાધનોએે જણાવ્યું કે, આ પેકેજ કોવિડ-19 મહામારી દરમિયાન એમએસએમઇ સેક્ટરને આપવામાં આવેલા રૂ. 20 લાખ કરોડના રાહત પેકેજની તર્જ પર તૈયાર કરવામાં આવી રહ્યું છે. તે સમયે જે રીતે આ રાહત પેકેજ ઉદ્યોગો માટે આશીર્વાદ સમાન રહ્યું હતું.
આ પગલાંથી નિકાસકારોને મુશ્કેલીના દોરમાંથી બહાર નીકળવામાં મદદરૂપ થઈ હતી. વધુમાં સરકાર એક્સપોર્ટ પ્રમોશન મિશન પર પણ કામ કરી રહી છે. જેની જાહેરાત આ વર્ષના કેન્દ્રીય બજેટમાં થઈ હતી. આ મિશનનો હેતુ ભારતના નિકાસ બજારને વૈશ્વિક સ્તરે હરીફાઈ માટે મજબૂત બનાવવા તેમજ નવા બજારોમાં ભારતીય પ્રોડક્ટ્સની ઉપલબ્ધતા વધારવાનો છે. જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં લોકોને મોટી રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં હવે જીએસટીના માત્ર બે સ્લેબ લાગુ રહેશે. જે 5ાંચ ટકા અને 18 ટકા રહેશે. હાનિકારક અને લકઝરી પ્રોડક્ટ્સ માટે એક અલગ 40 ટકાનો સ્લેબ બનાવવામાં આવ્યો છે. જીએસટીમાં આ નવા સુધારા 22 સપ્ટેમ્બરથી લાગુ થશે.
આ પણ વાંચો…જીએસટીમાં રાહત બાદ સરકાર નિકાસ પ્રોત્સાહન પેકેજ લાવવાની તૈયારીમાં