પ્રયાગરાજ બાદ અયોધ્યામાં ‘બાઇકર્સ ગેંગ’ની લૂંટ: 30 મોટરસાઈકલ જપ્ત

અયોધ્યા: અયોધ્યા પોલીસે રામ મંદિરના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ પાસેથી વધુ પડતું ભાડું વસૂલવાના આરોપમાં ‘બાઇકર્સ ગેંગ’ સામે કાર્યવાહી કરી છે. આ બાબત અંગે આ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશને સોમવાર અને મંગળવારે હાથ ધરવામાં આવેલા અભિયાનમાં 30 મોટરસાઈકલ જપ્ત કરવામાં આવી છે.
પ્રયાગરાજ જિલ્લામાં મહાકુંભની શરૂઆતથી અયોધ્યામાં ભક્તોની સંખ્યામાં વધારો થવાને કારણે અધિકારીઓએ શહેરમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિનો લાભ લઈને છેલ્લા 10 દિવસમાં બાઇકર્સનું એક જૂથ સક્રિય થયું છે, જે કથિત રીતે યાત્રાળુઓ પાસેથી પ્રતિ કિલોમીટર 100 રૂપિયા વસૂલ કરી રહ્યા છે.
રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનના પ્રભારી અભિમન્યુ શુક્લાએ જણાવ્યું હતું કે, ‘બાઈકર્સ પરવાનગી વિના યાત્રાળુઓ પાસેથી પૈસા વસૂલ કરી રહ્યા હતા, જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.’ બે દિવસમાં 30 મોટરસાઈકલ જપ્ત કરવામાં આવી છે અને આ અભિયાન હજુ ચાલુ રહેશે.
પોલીસે જણાવ્યું હતું કે મોટરસાઈકલ સવારો અયોધ્યા શહેરની બહાર વિવિધ સ્થળોએથી શ્રદ્ધાળુઓને લઇને આવતા હતા અને રામ મંદિર અને અન્ય તીર્થ સ્થળોએ લઈ જવા માટે પ્રતિ મુસાફર 100થી 300 રૂપિયા સુધીનું ભાડું વસૂલતા હતા.
સ્થાનિક રહેવાસીઓએ આ અંગે જિલ્લા વહીવટીતંત્રને ફરિયાદ કરી હતી ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન, મહારાષ્ટ્રની એક મહિલા યાત્રાળુએ રામ મંદિરમાં વીઆઇપી દર્શન સંબંધિત કથિત છેતરપિંડી અંગે અયોધ્યામાં એફઆઇઆર નોંધાવી હતી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો…26/11 મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાના હેડલી અને પાકિસ્તાની કનેક્શનની અજાણી વાતો જાણો
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફરિયાદી કવિતા શેટ્ટી તેમના એક પરિચિત સુરેશ આચાર્યને અયોધ્યા લઇને આવ્યા હતા જે અધિકૃત પ્રવાસી ગાઇડ નહોતા. શેટ્ટીએ આરોપ લગાવ્યો કે આચાર્યએ મુંબઈથી અયોધ્યાની મુસાફરી અને ‘વીઆઈપી દર્શન’ની વ્યવસ્થા કરવા માટે તેમની પાસેથી 1.8. લાખ રૂપિયા વસૂલ્યા હતા.
જોકે, મંદિરમાં ‘વીઆઈપી દર્શન’ અંગે શેટ્ટી અને આચાર્ય વચ્ચે વિવાદ થઇ ગયો હતો. અયોધ્યા કોતવાલીના પોલીસ સ્ટેશનના પ્રભારી મનોજ શર્માએ જણાવ્યું હતું કે, ‘આ વિવાદ મુંબઈમાં શરૂ થયો હતો, તેથી અમે આ બાબતે મુંબઈ પોલીસ સાથે વાત કરી છે.’