પહેલગામ હુમલા બાદ સરકારનો એક વધુ સખત નિર્ણયઃ ચારધામની યાત્રા નહીં કરી શકે પાકિસ્તાની હિન્દુઓ

નવી દિલ્હીઃ પહેલગામ હુમલા બાદ કેન્દ્ર સરકારે ઘણા સખત પગલાં લીધા છે. માત્ર શસ્ત્રો દ્વારા જ નહીં પણ વ્યુહાત્મક રીતે પણ પાકિસ્તાનને ઘેરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન સરકારની છત્રછાયામાં મોટા થઈ આતંક ફેલાવતા આતંકવાદીઓને લીધે અહીંની જનતાએ પણ સહન કરવાનો વારો આવ્યો છે. ભારતે વિઝા સાથે ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને પણ દેશ છોડી જવાનો આદેશ આપ્યો છે.
આ દરમિયાન કેન્દ્ર સરકારે વધુ એક સખત નિર્ણય લીધો છે. 30મી એપ્રિલથી શરૂ થનારી પવિત્ર ચારધામ યાત્રામાં પાકિસ્તાની હિન્દુઓ ભાગ નહીં લઈ શકે, તેમ કેન્દ્ર સરકારે જણાવ્યું છે. સરકારના આ નિર્ણયથી રજિસ્ટ્રેશન કરાવેલા 77 પાકિસ્તાની હવે ચારધામની યાત્રામાં ભાગ લઈ શકશે નહીં.
ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 21 લાખ જેટલા શ્રદ્ધાળુએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં 24,000 કરતા પણ વધારે યાત્રીઓ વિદેશના હોવાનું જાણવા મળ્યું છે. સરકારે સુરક્ષાના કારણો આપી પાકિસ્તાની હિન્દુ યાત્રીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
પહેલગામ હુમલા બાદ ચારધામ યાત્રા માટે સુરક્ષા સરકારની પહેલી પ્રાથમિકતા છે. 30મી એપ્રિલથી કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રીની યાત્રાએ લાખો શ્રદ્ધાળુઓ આવશે.
આ પણ વાંચો…શ્રી ગંગાનગર સરહદ પાર પાકિસ્તાને ખાલી કરાવ્યા ગામો, ઝીરો લાઇન નજીક પાકિસ્તાની રેન્જર્સનું પેટ્રોલિંગ