2026માં ઈસરોનું પહેલું મિશન નિષ્ફળ? લોન્ચિંગ બાદ PSLV-C62 માર્ગથી ભટક્યું, વૈજ્ઞાનિકો ડેટાની રાહમાં…

શ્રીહરિકોટા: વર્ષ 2026માં ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO)ના પહેલા મિશન PSLV-C62એ આજે સવારે શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ પરથી લીફ્ટ ઓફ કર્યું હતું. આ રોકેટમાં DRDOના EOS-N1 (અન્વેષા) સહીત 15 ઉપગ્રહો હતાં, ISROના જણાવ્યા મુજબ ઉપગ્રહોને નક્કી ભ્રમણકક્ષામાં તરતા મુકવામાં આવ્યા હોવાની પુષ્ટિ થઇ શકી નથી.
ઇસરોએ સંકેત આપ્યો કે મિશનનું પરિણામ હજુ પણ સ્પષ્ટ થઇ શક્યું નથી. ISROના જણાવ્યા મુજબ મહત્વપૂર્ણ ટેલિમેટ્રી ડેટાની રાહ જોવામાં આવી રહી છે. એક ટૂંકા નિવેદનમાં ISRO એ જણાવ્યું “આજે, અમે PSLV-C62 લોન્ચ મિશનનો પ્રયાસ કર્યો હતો. અમે ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છીએ, ત્યાર બાદ વધુ માહિતી આપીશું.”
ઇસરોએ પુષ્ટિ કરી છે કે કે રોકેટના ત્રીજા તબક્કા દરમિયાન તેના નિર્ધારિત માર્ગથી ભટકી ગયું હતું. ઈસરોના ચેરમેન ડૉ. વી. નારાયણને જણાવ્યું હતું કે ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. તેમણે મિશનને સફળ કે નિષ્ફળ જાહેર કર્યું ન હતું.
અહેવાલ મુજબ ટેલિમેટ્રી ડેટા મળવાની રાહ જોવાઈ રહી છે, ઉપગ્રહોને નક્કી પોલર સન-સિંક્રનસ ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂકવામાં આવ્યા છે કે કેમ તેની પુષ્ટિ કરવા માટે આ ડેટા જરૂરી છે.

મિશન શા માટે મહત્વનું:
નોંધનીય છે કે PSLV-C62 મિશન વર્ષ 2026 માં ભારતનું પ્રથમ અવકાશ મિશન છે, અને પોલાર સેટેલાઈટ લોન્ચ વેહિકલ(PSLV)ની 64મી ઉડાન હતી. નોંધનીય છે ગત વર્ષે PSLV મિશન ટેકનોલોજીકલ અવલોકનને કારણે રદ કરવામાં આવ્યું હતું.
અહેવાલ મુજબ PSLV-C6માં ભારતના 7 અને અન્ય દેશોના 8 મળીને 15 ઉપગ્રહો છે, જેમાં ભારતના EOS-N1 અન્વેષા ઉપગ્રહનો પણ સમાવેશ થાય છે. EOS-N1 અન્વેષા, એ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO) દ્વારા વિકસાવવામાં આવેલો હાઇપરસ્પેક્ટ્રલ ઉપગ્રહ છે, જે વ્યૂહાત્મક હેતુઓ માટે મહત્વનો છે.



