નેશનલ

હિમાચલ બાદ ઉત્તરાખંડમાં પણ વરસાદનો કહેર, કેદારનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી

સોનપ્રયાગ : દેશમાં આ વર્ષે ચોમાસાની તોફાની શરૂઆત થઇ છે. જેમાં બે પહાડી રાજ્યો હિમાચલ અને ઉત્તરાખંડમાં વરસાદે ભારે તબાહી સર્જી છે. જેમાં વરસાદની સાથે સાથે વાદળ ફાટવાની અને ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની છે. જયારે કેદારનાથ યાત્રા ભારે વરસાદના પગલે કામ ચલાઉ રીતે સ્થગિત કરવામાં આવી છે. સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં યાત્રિકોને રોકવામાં આવ્યા છે. હવામાન વિભાગે આજે રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લામાં વરસાદની ચેતવણી જાહેર કરી છે.

ભૂસ્ખલન બાદ બદ્રીનાથ જવાનો રસ્તો પણ બંધ

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અલકનંદા નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. જોકે, નદી હજુ પણ ખતરાના નિશાનથી નીચે વહી રહી છે. ભૂસ્ખલન બાદ બદ્રીનાથ જવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે ગૌરીકુંડમાં કાટમાળ હટાવવાનું કામ ચાલુ છે. જેથી યાત્રા ફરી શરૂ કરી શકાય.

40 શ્રદ્ધાળુઓને એસડીઆરએફ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા

ઉત્તરાખંડમાં આ દિવસોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ કારણે ભૂસ્ખલનની ઘટનાઓ પણ પ્રકાશમાં રહી છે. તાજેતરમાં ભારે વરસાદને કારણે સોનપ્રયાગમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં કેદારનાથથી પરત ફરી રહેલા 40 થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા હતા. જોકે, બાદમાં સોનપ્રયાગ ભૂસ્ખલન વિસ્તાર નજીક ફસાયેલા 40 શ્રદ્ધાળુઓને એસડીઆરએફ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.

ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે, ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. ઘણા ભાગોમાં પાણી પુરવઠો પ્રભાવિત થયો છે. તાજેતરમાં બારકોટ નજીક વાદળ ફાટવાની ઘટના પણ જોવા મળી હતી.

કેદારનાથ યાત્રાનું મહત્વ ?

કેદારનાથ યાત્રા હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ યાત્રા છે. જે ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત કેદારનાથ મંદિરમાં કરવામાં આવે છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને ચાર ધામ યાત્રા (યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ) નો ભાગ છે. કેદારનાથ મંદિર હિમાલયની તળેટીમાં 3583 મીટરની ઊંચાઈ પર આવેલું છે અને તેને 12 જ્યોતિર્લિંગોમાંનું એક માનવામાં આવે છે.

આ પણ વાંચો…હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 લોકોના મોત, મંડી સૌથી વધુ અસરગ્રસ્ત…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button