કુંભની નાસભાગ મુદ્દે જયા બચ્ચનનો વિવાદાસ્પદ દાવોઃ વીએચપીએ ધરપકડ કરવાની કરી માગણી
નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને બોલીવુડના અભિનેત્રી જયા બચ્ચને કુંભમેળા અંગે ઘણું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે કુંભનું પાણી આ સમયે સૌથી વધુ પ્રદૂષિત છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે કુંભમાં નાસભાગ દરમિયાન મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને નદીમાં ફેંકી દેવામાં આવ્યા છે, જેના કારણે આ પાણી દૂષિત થઈ ગયું છે.
જયા બચ્ચને સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા અને જણાવ્યું હતું કે વાસ્તવિક મુદ્દાઓને અવગણવામાં આવી રહ્યા છે અને સામાન્ય ભક્તો માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી નથી.
જયા બચ્ચનને કુંભમાં આવનારા લોકોની સંખ્યા પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કરોડો લોકોમાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકો એક જ જગ્યાએ કોઈ પણ સમયે કેવી રીતે ભેગા થઈ શકે? સરકાર ખોટું બોલી રહી છે.
આપણ વાંચો: Video: ‘તે એક્ટિંગ કરે છે, એવોર્ડ આપવો જોઈએ’, જયા બચ્ચને ઘાયલ BJP સાંસદો માટે કહી આ વાત
તેમના આ નિવેદન બાદ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ તેમની ધરપકડની માંગ કરી છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ધાર્મિક સંગઠનો એ પણ જયા બચ્ચનના નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે.
વીએચપીના મીડિયા ઇન્ચાર્જે જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે ખોટા અને સનસનાટી ભર્યા નિવેદનો કરવા બદલ જયા બચ્ચનની ધરપકડ કરવી જોઈએ. મહાકુંભ એ ઇશ્વરીય શ્રદ્ધા અને ભક્તિનો આધાર છે. મહાકુંભમાં ધર્મ કર્મ અને મોક્ષ મળે છે. અહીં કરોડો ભક્તોની લાગણી જોડાયેલી છે. અને એના માટે જયા બચ્ચન આવા શબ્દો ઉચ્ચારી રહ્યા છે, જે દુઃખદ છે.
ભાજપે જયા બચ્ચનના નિવેદનને હિન્દુ આસ્થા અને કુંભ મેળાનું અપમાન ગણાવ્યું છે. ઘણા ધાર્મિક નેતાઓ અને સંગઠનોએ જયા બચ્ચન પાસેથી માફીને માંગ કરી છે અને તેમના નિવેદનને અસંવેદનશીલ અને ભ્રામક તેમજ સદંતર જુઠ્ઠું ગણાવ્યું છે.
આપણ વાંચો: સંસદની કાર્યવાહીમાં જ્યારે જયા બચ્ચન પર ભડકી ગયા સ્પીકર….
નોંધનીય છે કે મહાકુંભમાં બનેલી નાસભાગની દપર્ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. વિપક્ષને સરકાર પર પ્રહાર કરવાનો મોકો મળી ગયો છે. જયા બચ્ચનના નિવેદન બાદ રાજકીય ગરમાવો ઘેરો બન્યો છે. સરકાર સામે સવાલ ઊભા થઇ રહ્યા છે.
મહાકુંભમાં થયેલી નાસભાગ અને મૃત્યુ પર કૉંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા છે અને સરકાર પર પ્રહારો કર્યા છે. કૉંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઇએ જણાવ્યું હતું કે સરકાર મૃત્યુના સાચા આંકડા છુપાવી રહી છે. સરકાર સત્ય છુપાવી રહી છે.
અમે સંસદમાં આ મુદ્દે ચર્ચાની માગ કરી હતી, પણ સરકારે તેને અવગણી હતી. લોકો ન્યાય માટે રડી રહ્યા છે અને સરકાર તેમનો અવાજ દબાવી રહી છે, પણ અમે આગળ પણ આ મુદ્દાને ઉઠાવતા જ રહીશું.