Arvind Kejriwal Arrest: જર્મની બાદ USAએ કેજરીવાલ અંગે કરી ટીપ્પણી, ભારત આપશે જવાબ?
દિલ્હી લિકર પોલિસી સાથે સબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કર્યા બાદ દેશમાં રાજકારણ ગરમાયું છે. ભારત ઉપરાંત દુનિયાના ઘણા દેશોમાં કેજરીવાલની ધરપકડ અંગે ચર્ચા થઇ રહી છે, જર્મની બાદ હવે USAએ પણ પ્રતિક્રિયા આપી છે.
યુનાઇટેડ સ્ટેટ્સ સરકારે જણાવ્યું કે અમે અરવિંદ કેજરીવાલની ધરપકડના અહેવાલો પર નજર રાખી રહ્યા છીએ છે. યુએસના સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું કે જેલમાં બંધ દિલ્હીના મુખ્ય પ્રધાન અને વિપક્ષી નેતા માટે “ન્યાયી, પારદર્શક અને સમયસર કાયદાકીય પ્રક્રિયા” થાય એ સુનિશ્ચિત કરવા માટે અમે અમારા ભારતીય સમકક્ષને અરજી કરીએ છીએ.
આ પણ વાંચો: AAP કરશે PM આવાસનો ઘેરાવ, CM અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં 31મીએ મહા રેલી
કેજરીવાલની ધરપકડ અંગે ઈમેલ દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં યુ.એસ.ના પ્રવક્તાએ આ ટીપ્પણી કરી હતી.
અગાઉ જર્મનીના વિદેશ કાર્યાલયે ટીપ્પણી કરી હતી કે મિસ્ટર કેજરીવાલ, આરોપોનો સામનો કરી રહેલા અન્ય ભારતીય નાગરિકોની જેમ જ નિષ્પક્ષ અને નિષ્પક્ષ ટ્રાયલ માટે હકદાર છે. ભારતના આંતરિક મામલામાં જર્મનીની આ દરમિયાનગીરીની ભારતે નિંદા કરી હતી. તેના થોડા દિવસો પછી હવે યુએસની પ્રતિક્રિયા આવી છે.
જર્મન સરકારના પ્રવક્તાએ શુક્રવારે જણાવ્યું હતું કે, “અમે અપેક્ષા રાખીએ છીએ કે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને મૂળભૂત લોકશાહી સિદ્ધાંતોને લગતા ધોરણો આ કિસ્સામાં પણ ધ્યાનમાં લેવામાં આવશે.” ભારત સરકારે આ ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો. ભારત સરકારે જર્મન રાજદૂતને સમન મોકલ્યું હતું. ભારતે આ જર્મનીની ટીપ્પણીને આંતરિક બાબતોમાં સ્પષ્ટ હસ્તક્ષેપ ગણાવ્યો હતો.
આ પણ વાંચો: ‘કેજરીવાલ લાલચુ છે…..’ ભાજપ નેતાઓએ કેજરીવાલના રાજીનામાની માંગ કરી
જર્મની સામે ભારતના વિરોધ વિશે પૂછવામાં આવતા, US વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું: “ભારત સરકાર સાથેની તેમની ચર્ચાઓ અંગે ટીપ્પણી માટે તમારે જર્મન વિદેશ મંત્રાલયને પૂછવું જોઈએ.”
નાટકીય ઘટનાક્રમ બાદ ગત અઠવાડિયે EDએ દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલને કસ્ટડીમાં લીધા હતા. જે બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓએ ભાજપ અન કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે.