ગૌતમ ગંભીર બાદ વધુ એક ભાજપ સાંસદે ચૂંટણી ફરજમાંથી મુક્ત થવા જે પી નડ્ડાને વિનંતી કરી

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી (Loksabha Election) માટે ભાજપ હાઈકમાન્ડ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરે એ પહેલા પાર્ટીના સાંસદો ચૂંટણી ન લડવાની જાહેરાત કરી રહ્યા છે. ગૌતમ ગંભીરની જાહેરાત બાદ ઝારખંડના હજારીબાગથી ભાજપના સાંસદ જયંત સિન્હાએ પણ પાર્ટીને તેમને ચૂંટણી ફરજોમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે. તેમણે પાર્ટી ચીફ જેપી નડ્ડાને આ અંગે જાણ કરી છે અને આજે શનિવારે સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ પણ કરી હતી.
સોશિયલ મીડિયા પરની તેમની પોસ્ટમાં જયંત સિન્હાએ લખ્યું કે, મેં પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડાને વિનંતી કરી છે કે તેઓ મને મારી ચૂંટણી ફરજોમાંથી મુક્ત કરે જેથી કરીને હું ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ક્લાઈમેટ ચેન્જ માટેના મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું.
તેમણે કહ્યું કે હું આર્થિક અને શાસન સંબંધિત મુદ્દાઓ પર પાર્ટી સાથે કામ કરવાનું ચાલુ રાખીશ. મને છેલ્લા દસ વર્ષથી ભારત અને હજારીબાગની જનતાની સેવા કરવાનો લહાવો મળ્યો છે. તેણે લખ્યું, ‘આ ઉપરાંત, મને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને બીજેપી નેતૃત્વ દ્વારા પ્રદાન કરવામાં આવેલી ઘણી તકોનો આશીર્વાદ મળ્યો છે. તે બધાનો મારો હૃદયપૂર્વક આભાર. જય હિંદ.’
અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે દિલ્હીના ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે પણ આવું જ ટ્વિટ કરીને જેપી નડ્ડાને ચૂંટણી ડ્યુટીમાંથી મુક્ત કરવાની માંગ કરી હતી. તેમની વિનંતીના થોડા કલાકો બાદ જયંત સિન્હાએ પણ ટ્વીટ કરીને આવી જ માંગ કરી છે. જેને કારણે ભાજપમાં અસંતોષ અંગે અટકળો લાગવવામાં આવી રહી છે.