ગુજરાતભરમાં ભરપૂર ભક્તિ બાદ શ્રીજીને ભાવભીની આંખે વિદાય અપાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતભરમાં ૧૦ દિવસની ભરપૂર ભક્તિ આરાધના પછી ગુરૂવારે અનંત ચતુર્દશીએ બાપ્પાને વિદાય આપવામાં આવી હતી. રાજ્યમાં અનેક જગ્યાએ ઢોલનગારાં અને ડીજેના તાલ સાથે શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મોટા ભાગના લોકોએ માટીના શ્રીજીનું ઘરે જ વિસર્જન કર્યુ હતું. અને બાકીના લોકોએ તંત્ર દ્વારા બનાવાયેલા કુંડ, કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણપતિ વિસર્જન દરમિયાન કોઈ દુર્ધટનાના બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મનપા દ્વારા બનાવાયેલા ૫૨ કુંડમાં મોટી સંખ્યામાં લોકોએ શ્રીજીને વિદાય આપી હતી. ગણપતિ વિસર્જનનો અવસર હોય રિવરફ્રન્ટ પર લોકો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. આ અવસરે કોઈ બનાવ ના બને તે માટે શહેરમાં પોલીસ કર્મચારી તેમજ એસઆરપીની ૧૪ કંપની અને આરએએફની એક કંપની અને પાંચ હજાર હોમગાર્ડ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સુરતમાં મનપા દ્વારા બનાવામાં આવેલા કૃત્રિમ કુંડમાં અંદાજિત ૮૦ હજારથી વધુ ગણપતિની પ્રતિમાનું વિસર્જન થયું હોવાનું અનુમાન છે. સુરતમાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. રાજકોટમાં પણ મનપા અને ફાયર વિભાગ દ્વારા આજીડેમ, રામવન, ઝાંખરા પીર સહિત સાત સ્થળ પર વિસર્જનની વ્યવસ્થા હતી. દુર્ઘટનાને રોકવા માટે પોલીસ દ્વારા એકસાથે માત્ર પાંચથી છ લોકોને જ વિસર્જન માટે મંજૂરી આપવામાં આવતી હતી. વડોદરામાં પણ હર્ષોલ્લાસથી બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યુ હતું. શહેરીજનોની સુરક્ષા માટે ૬૫૦૦થી વધુ પોલીસ જવાનો તૈનાત રહ્યા હતા. વડોદરામાં છ હજારથી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેના માટે મનપા દ્વારા હાઈરાઈઝ ક્રેન સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ભાવનગર શહેરમાં પણ શ્રીજીને વિદાય આપવામાં આવી હતી. અનંત ચતુર્દશીનો અવસર હોય ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું હતું. મેઘાણી સર્કલ, સેતુબંધ માણેકવાડી વિસ્તારોમાં બાપ્પાને ભક્તોએ વિદાય આપી હતી. ભાવનગર જિલ્લાના કોળિયાકના દરિયામાં ગણપતિ બાપ્પાની વિસર્જન યાત્રા કાઢી હતી.