
નવી દિલ્હી: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર આ સપ્તાહના અંતે ચીનની મુલાકાતે જશે. આ તેમની પાંચ વર્ષ બાદની પ્રથમ ચીન યાત્રા છે. ઉલ્લેખનીય છે કે 2020ની સરહદી કાર્યવાહી બાદ ભારત અને ચીન વચ્ચે તણાવ પૂર્ણ સંબંધો ચાલી રહ્યા હતા. જ્યારે હવે આ સંબંધોમાં સુધાર લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ યાત્રા દરમિયાન જયશંકર ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને તિઆનજિનમાં શંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં ભાગ લેશે.
જયશંકરની આ યાત્રા 14-15 જુલાઈએ તિઆનજિનમાં યોજાનારી SCOની વિદેશ મંત્રીઓની બેઠકના સંદર્ભમાં થઈ રહી છે. આ બેઠક ભારત-ચીન સંબંધોને સુધારવાના પ્રયાસોનો એક ભાગ છે. SCO એ ચીનની આગેવાની હેઠળનું બહુપક્ષીય સંગઠન છે, જેમાં ભારત, પાકિસ્તાન સહિત નવ સભ્ય દેશો સામેલ છે. આ યાત્રા દરમિયાન દુર્લભ ખનિજોની સપ્લાય, દલાઈ લામાના ઉત્તરાધિકાર, ભારત-પાક તણાવ અને બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટ્સની શરૂઆત જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
આ યાત્રા ભારતીય નેતાઓની તાજેતરની ચીન યાત્રાઓની શ્રેણીનો એક ભાગ છે. ગયા મહિને રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચીનના ચિંગદાઓમાં SCOની રક્ષા મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે આગામી થોડા સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રા કરવાની સંભાવના સેવાઈ રહી છે. ચીન તરફથી ભારતને SCO શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે ભારત તરફથી હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આપણ વાંચો: ટેનિસ પ્લેયર દીકરી માટે 1.5 કરોડના ખચે એકેડેમી બનાવી તો પછી હત્યા શા માટે કરી?
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનના વિદેશ મંત્રી વાંગ યી પણ આ મહિને ભારતની મુલાકાત લઈ શકે છે, જ્યાં તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે સરહદી વિવાદ પર ચર્ચા કરશે. 2020માં લદ્દાખ સરહદે થયેલી ઝડપમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા, જે બાદ બંને દેશોએ સરહદે હજારો સૈનિકો અને શસ્ત્રો તૈનાત કર્યા હતા. જોકે, 2023માં રશિયામાં બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન મોદી અને શી જિનપિંગની મુલાકાત બાદ સંબંધોને સ્થિર કરવાની સહમતિ થઈ હતી.
જયશંકર અને વાંગ યીની આ પહેલા બે વખત ચીનની બહાર મુલાકાત થઈ ચૂકી છે. સંબંધો સુધારવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ તણાવ હજુ પૂર્ણપણે ઘટ્યો નથી. ભારતે ચીન પર વિઝા અને રોકાણને લગતી કેટલીક પ્રતિબંધ લગાવ્યા છે, જ્યારે ચીને ભારતને મહત્વના ખનિજોના નિકાસમાં અડચણો ઊભી કરી છે. તાજેતરમાં મોદીએ દલાઈ લામાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં ચીને વાંધો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત, ગયા મહિને રક્ષા મંત્રીઓની બેઠકમાં આતંકવાદ પર મતભેદને કારણે ભારતે સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો.