Top Newsનેશનલ

દિલ્લી બાદ હવે શ્રીનગરમાં બ્લાસ્ટ, નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટથી 9નાં મૃત્યું; 300 ફૂટ દૂર ફંગોળાયા માનવ અંગો

શ્રીનગરઃ દક્ષિણ શ્રીનગરના નૌગામ પાલીસ સ્ટેશનમાં શુક્રવારે રાત્રે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટથી સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો અને તેનો અવાજ અનેક કિલોમીટર દૂર સંભળાયો હતો. ઈમારતનો એક હિસ્સો ધરાશાયી થયો હતો. તેમજ પરિસરમાં પડેલા વાહનોમાં આગ લાગી હતી. ઘણા માનવ અંગો 300 ફૂટ દૂર ફંગોળાઈને પડ્યા હતા. શુક્રવારે રાતે આશરે 11.22 કલાકે આ થયેલા વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. 27 ઘાયલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જે પૈકી ઘણાની હાલત અતિ ગંભીર છે. કાટમાળમાં હજુ પણ અનેક લોકો દટાયા હોવાની આશંકા છે.

કેવી રીતે થયો વિસ્ફોટ

પ્રારંભિક અહેવાલોમાં તેને “મોટો વિસ્ફોટ” ગણાવવામાં આવ્યો હતો, પરંતુ જમ્મુ અને કાશ્મીર પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તે આતંકવાદી હુમલો નહીં પણ એક આકસ્મિક વિસ્ફોટ હતો. આ ઘટના નિયમિત નિરીક્ષણ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ, સ્થાનિક પોલીસ કર્મચારીઓ અને એક મહેસૂલ અધિકારીની સહભાગિતાવાળી ટીમની સેમ્પલિંગ પ્રક્રિયા દરમિયાન થઈ હતી.

ઘરની બારીઓના કાચ પણ તૂટી ગયા

ઘટનાસ્થળના વીડિયોમાં પોલીસ સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં વ્યાપક તબાહી જોવા મળી રહી છે. પોલીસ કારો સહિત અનેક વાહનો આગમાં બળીને રાખ થઈ ગયા હતા, અને કાટમાળ દૂર દૂર સુધી ફેલાયેલો હતો. વિસ્ફોટના કારણે આસપાસના ઘરો અને ઇમારતોની બારીઓના કાચ તૂટી ગયા હતા. જેમાં રાવાલપોરા જેવા પડોશી વિસ્તારો પણ સામેલ છે.

શું છે વિસ્ફોટનું કારણ

પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી એમોનિયમ નાઈટ્રેટ-આધારિત વિસ્ફોટક સામગ્રીના મોટા જથ્થાની સેમ્પિલ પ્રક્રિયા દરમિયાન આ વિસ્ફોટ થયો હોવાનું જણાવાયું હતું. આ સામગ્રી નવેમ્બરની શરૂઆતમાં જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદી મોડ્યુલની તપાસના ભાગરૂપે જપ્ત કરવામાં આવી હતી. આ મોડ્યુલ, જેમાં ડૉક્ટર અને મૌલવી જેવા કટ્ટરપંથી વ્યાવસાયિકો સામેલ હતા.

દિલ્લીમાં થયો હતો વિસ્ફોટ

આ પહેલા, દિલ્લીમાં 10 નવેમ્બરે લાલ કિલ્લા પાસે કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં 12 લોકોના મૃત્યુ થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. જેમાં એક નવા આતંકવાદી મોડ્યુલની જાણકારી મળી હતી. જેમાં ડૉક્ટર અને ધાર્મિક વ્યક્તિઓ જેવા કટ્ટરપંથી વ્યાવસાયિકો સામેલ હતા.

આ પણ વાંચો…દિલ્હી વિસ્ફોટ બાદ નૂહ જીલ્લામાંથી ત્રણ ડોક્ટર સહિત પાંચ લોકોની ધરપકડ બાદ પૂછતાછ શરુ…

સંબંધિત લેખો

Back to top button