નેશનલ

૨૦૨૯ પછી તમામ ચૂંટણીઓ એકસાથે યોજવા લો કમિશન કાર્યરત

નવી દિલ્હી: ૨૦૨૯ની લોકસભાની ચૂંટણી સાથે તમામ રાજ્યોની ચૂંટણીઓ એકસાથે યોજાય તે માટે લો કમિશન એક ફોર્મ્યુલા પર કામ કરી રહ્યું છે, તેવું સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું.
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે લો પેનલ લોકસભા, વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓ માટે સામાન્ય મતદાર યાદી સુનિશ્ર્ચિત કરવા માટે એક પદ્ધતિ ઘડી રહી છે જેથી ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચો જેવી વિવિધ સંસ્થાઓ દ્વારા લગભગ સમાન કવાયત હાથ ધરવા માટે થતો માનવબળનો ખર્ચ અને ઉપયોગ ઓછો થાય.

સરકારે લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓ માટે એકસાથે ચૂંટણીઓનું અન્વેષણ કરવા માટે પહેલેથી જ એક ઉચ્ચ-સ્તરીય પેનલની રચના કરી છે, કાયદા પંચને રાષ્ટ્રીય અને રાજ્ય માટે તેના વર્તમાન આદેશ સાથે ત્રીજા સ્તરની ચૂંટણીઓ અને મતદાનનો સમાવેશ કરવા માટે પણ કહેવામાં આવી શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક મુદ્દાઓનું સમાધાન થવાનું બાકી હોવાથી એક સાથે ચૂંટણી અંગે કાયદા પંચનો અહેવાલ તૈયાર નથી થયો.

૨૦૨૯થી રાજ્યોની અને લોકસભાની બધી ચૂંટણીઓ એકસાથે યોજાય તે સુનિશ્ર્ચિત કરવા માટે વિવિધ વિધાનસભા ચૂંટણીઓનો સુમેળ કરવા માટે, ન્યાયમૂર્તિ રિતુ રાજ અવસ્થીના નેતૃત્વ હેઠળનું પંચ વિધાનસભાનો કાર્યકાળ ઘટાડવા અથવા વધારવાનું સૂચન કરી શકે છે.

એકવાર લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓનો સુમેળ થઈ જાય, મતદારો બંને ચૂંટણી માટે મતદાન કરવા માટે માત્ર એક જ વાર મતદાન મથક પર જાય તે સુનિશ્ર્ચિત કરવા માટે એક પદ્ધતિ ઘડવામાં આવી રહી છે. તેઓએ જણાવ્યું હતું કે વિધાનસભા અને સંસદીય ચૂંટણીઓ તબક્કાવાર યોજાય છે, તેથી આયોગ બે ચૂંટણીઓ માટે મતદાન કરવા માટે મતદારો એક કરતા વધુ વખત મતદાન મથકો પર ન જાય તે માટે મોડલીટીઝ પર કામ કરી રહ્યું છે. કાયદા મંત્રાલયે એપ્રિલ ૨૦૧૮માં, કાયદા પંચને લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવાના મુદ્દાની તપાસ કરવા કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button