
આ વર્ષે વિશ્વના વિવિધ ખૂણાઓમાં કુદરતે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યું છે. જેમાં અફઘાનિસ્તાન અને સુદાનમાં આવેલી કુદરતી આફતોએ હજારો લોકોના જીવ લીધા છે. અફઘાનિસ્તાનમાં ભૂકંપે તબાહી મચાવી છે.
જ્યારે સુદાનમાં ભૂસ્ખલનથી એક આખુ ગામ સંપૂર્ણ તબાહ થઈ ગયુ. આ બંને ઘટનાઓમાં મળીને 2,100થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે હજારો લોકો ઘાયલ અને બેઘર થયા છે.
અફઘાનિસ્તાનમાં રવિવારે મોડી રાત્રે 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર રાજધાની કાબુલથી થોડે દૂર પૂર્વીય વિસ્તારમાં હતું. આ ભૂકંપે નાનગરહાર અને કુનાર પ્રાંતમા ભારે વિનાશ વેર્યો હતો.
જેમાં 1,100થી વધુ લોકોના મોત થયા અને 3,500થી વધુ ઘાયલ થયા. બીજી તરફ, સુદાનના દારફુર વિસ્તારમાં 31 ઓગસ્ટે ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું, જેમાં માર્રા પર્વતોના એક ગામમાં 1,000થી વધુ લોકોના મોત થયા, અને માત્ર એક વ્યક્તિ જીવિત બચી.
અફઘાનિસ્તાનના પૂર્વીય પ્રાંતોમાં આવેલા આ ભૂકંપે ઘણા ગામોનો સંપર્ક તૂટી ગયો છે, જ્યાં ઘરો ધરાશાયી થયા અને રસ્તાઓ ખરડાઈ ગયા. અહેવાલો પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર જલાલાબાદથી 27 કિલોમીટર દૂર હતું, અને તેની ઊંડાઈ માત્ર 8 કિલોમીટર હોવાથી તેની તીવ્રતા વધુ હતી.
ભૂસ્ખલન અને ભારે વરસાદે બચાવ કામગીરીને મુશ્કેલ બનાવી છે, અને ઘણા ગામો હજુ પણ બચાવ ટીમો સુધી પહોંચી શક્યા નથી.
સુદાનના દારફુર વિસ્તારમાં ભારે વરસાદ બાદ આવેલા ભૂસ્ખલને એક આખા ગામને માટીમાં દફનાવી દીધું. સુદાન લિબરેશન મૂવમેન્ટ/આર્મીના જણાવ્યા મુજબ, આ ઘટનામાં 1,000થી વધુ લોકોના મોત થયા, જેમાં પુરુષો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
આ વિસ્તાર પહેલેથી જ સુદાની સેના અને રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) વચ્ચેના ગૃહયુદ્ધથી પીડાઈ રહ્યો છે, જેના કારણે બચાવ અને રાહત કામગીરી વધુ જટિલ બની છે. આ ઘટનાએ માનવીય સંકટને વધુ ઊંડું કર્યું છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે આંતરરાષ્ટ્રીય સહાયની અપીલ કરી છે, અને ભારત, ઈરાન અને સંયુક્ત રાષ્ટ્ર જેવા સંગઠનો રાહત કામગીરીમાં જોડાયા છે. જોકે, દૂરના પહાડી વિસ્તારો અને ભૂસ્ખલનને કારણે રાહત કામગીરીમાં અડચણો આવી રહી છે.
સુદાનમાં પણ ગૃહયુદ્ધની સ્થિતિમાં રાહત પહોંચાડવી મુશ્કેલ બની છે, જેનાથી પીડિતોની સંખ્યા વધવાની શક્યતા છે. આ બંને આફતોએ વૈશ્વિક સ્તરે માનવીય સહાયની જરૂરિયાતને રેખાંકિત કરી છે.
આ પણ વાંચો…પાકિસ્તાનમાં આવ્યું ભયાનક પૂર! પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંત સૌથી વધુ પ્રભાવિત, 15ના મોત